Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

૫૧૭૮૨ મતદાન મથકોએ ‘ચુનાવ પાઠશાલા'

‘અવસર લોકશાહી'નો અભિયાન અંતર્ગત અવસર રથ પ્રારંભ કરાવતા પી. ભારતી : આજે ગાંધીનગર ખાતેથી મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી પી. ભારથીએ અવસર રથને લીલીઝંડી આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૩ : ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્‍સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્‍ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. રાજયમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જયાં ઓછું મતદાન થયું હતું તેવા ૨૦૨૨ મતદાન મથકોને ધ્‍યાનમાં લઈને આ વિસ્‍તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્‍સાહિત કરવા મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્‍યું છે. આ વિસ્‍તારોમાં તા. ૩ નવેમ્‍બર થી ૧૭ નવેમ્‍બર દરમિયાન ‘અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્‍નો કરશે.

મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારથીએ આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતેથી ‘અવસર રથ'ને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ અવસરે  અધિક મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સુશ્રી પ્રવીણા ડી.કે., મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરીના શ્રી રિન્‍કેશ પટેલ તથા અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.  વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ ૧૧ ઝોનમાં ૧૧ ‘અવસર રથ' ફરશે. ૧૭ મી નવેમ્‍બર સુધી આ ‘અવસર રથ' નિયત રૂટ ઉપર  ફરીને મતદાન જાગૃતિનું કાર્ય કરશે.

‘અવસર લોકશાહીનો' ના ‘મિશન-૨૦૨૨' અંતર્ગત મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઓછુ મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્‍મક ઉપાયો કરવામાં આવ્‍યા છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે.

‘અવસર લોકશાહીનો' અંતર્ગત બૂથ લેવલ ઓફિસર કક્ષા સુધી ‘ચુનાવ પાઠશાલા'ની બેઠકો કરવામાં આવી છે. ૫૧,૭૮૨ મતદાન મથકોએ આવી બેઠકો કરવાનું આયોજન છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા સ્‍થાનિક કક્ષાએ વ્‍હોટસએપ ગ્રુપ બનાવીને, સ્‍થાનિક કક્ષાએ વ્‍હોટસએપ ગ્રુપમાં જોડાઈ મતદાન અંગે જાગૃતિ લાવવા  પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે.

શાળાઓ-કોલેજમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેના સંદેશા પાઠવવામાં આવ્‍યા છે. સોસાયટીના ચેરમેન, સંચાલકોને સોસાયટીના તમામ સભ્‍યો આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરણા આપે એ અંગે પત્ર લખીને અપીલ કરવામાં આવી છે.

વર્તમાનની લોકપ્રિયતાને ધ્‍યાને રાખીને કેટલાક સ્‍થળોએ ᅠ‘સેલ્‍ફી બુથ' ની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઇન ‘પ્‍લેજ કેમ્‍પેઈન' જેવા વિવિધ રચનાત્‍મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહયા છે.

(3:32 pm IST)