Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પોલીસ દિલથી કામગીરી કરે છે કે કેમ? તે બાબતે લોકોના જાહેર અભિપ્રાય માંગવામાં આવતા લોકો આફ્રિન

સુરતને ડ્રગ્‍સમુકત રાખવા તથા ગુનેગારો સામે પોલીસ કાર્યવાહીથી તમને સંતોષ છે કે કેમ? ૮૦૦થી વધુ લોકોને તેડાવી ખુલ્‍લા અભિપ્રાય માગવામાં આવ્‍યા, ગુજરાતમાં પ્રથમ પ્રયોગ : પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને ડીસીપી હર્ષદ મહેતા રાજય પોલીસ તંત્રને ખરા અર્થમાં પારદર્શિતા કોને કહેવાય તેની દિશા દેખાડે છે, ગૃહમંત્રીને ફરી મોહફાટ પ્રશંસાની તક મળી

રાજકોટ તા.૩: હંમેશા માટે કંઇક નવું અને કંઇક અનોખું અને પ્રજાલક્ષી પગલાઓ લેવા માટે તત્‍પર એવા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરને તેમના જેવા જ ડીસીપી હર્ષદ મહેતાનો સાથ સાંપડતા સુરત પોલીસની કામગીરી કેવી છે  લોકો શું માને છે તેવો અદભુત જાહેર પ્રયોગ કરી ૭૦૦થી વધુ વિવિધ લેવલના લોકોના અભિપ્રાય લેવા જાહેર સંવાદ કાર્યક્રમ યોજી રાજયભરમાં પોલીસ તંત્રને લોકો કે તેના સાચા અભિપ્રાયથી દૂર રહેવાને બદલે લોકોના મનમાં જે વાત હોય તે બે ધડક બોલવાની તક આપવાનો કાર્યક્રમ યોજી ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને ફરી જાહેરમાં તારીફ કરવી પડે એવું કાર્ય કર્યુ છે.

પોલીસ કમિશ્નરશ્રી અજય તોમરના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ આ લોકસંવાદ કાર્યક્રમમાં શ્રીકે.એન.ડામોર અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨, શ્રીહર્ષદ મહેતા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫, શ્રીબી.એમ.ચૌધરી મદદનીશ પોલીસ કમિશ્નર કે ડીવીઝન, શ્રીએન.પી.ગોહીલ મદદનીશ પોલીસ કમિશ્નર એલ ડીવીઝન તથા ઝોન-૫ના તમામ પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રીઓ આ લોકસંવાદ કાર્યક્રમમાં હાજર રહી લોકોના અલગ-અલગ રજૂઆતો તથા સુચનો સાંભળ્‍યા હતા.

નો ડ્રગ્‍સ ઇન સુરત સીટી આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશ્નર શ્રી તરફથી જાહેર જનતાને પોલીસને સહયોગ આપવા માટેની હાંકલ કરેલી હતી. પોલીસ તરફથી સુરત શહેરને નશામુકત બનાવવા માટે જે જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેને વધારે સઘન બનાવવા માટે નાગરિકોને સહયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ હતો. ઝોન-૫ વિસ્‍તારના ધાર્મિક, સામાજીક, રાજકીય આગેવાનોએ પોલીસના આ અભિયાનમાં સહયોગ આપવા  એકસુરે સુર પુરાવ્‍યો હતો. ભવિષ્‍યની નવી પેઢીને નશાના આ દુષણ તરફ વળતા અટકાવવાના આ પ્રયાસને સૌ નાગરિકોએ બિરદાવ્‍યો હતો. આ ઉપરાંત ટ્રાફીક, ધુમ બાઇક ચલાવતા વાહન ચાલકો, હની ટ્રેપના બનાવો અટકાવવા વિગેરે જેવા મુદાઓ પર નાગરિકોની રજુઆતો અને સુચનો રજુ થયા હતા.

આ લોકસંવાદ કાર્યક્રમમાં ઝોન-૫ વિસ્‍તારના અલગ-અલગ ધાર્મિક, સામાજીક, રાજકીય ૮૦૦થી વધુ આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી અટકાવવા માટે કરેલા અલગ-અલગ નવતર પ્રયોગો અને કામગીરી  વિશેની માહિતી પુરી પાડતી ટુંકી વિડીયો ફીલ્‍મ પણ બતાવવામાં આવેલ હતી. સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે લોકોની સલામતી માટે પ્રતિબધ્‍ધ છે.

(4:04 pm IST)