Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મેટ્રોમાં કચરો, થૂંકવા અને કોચને નુકશાન કરનારને ૫૦૦૦નો દંડ

મેટ્રોની સવારી હવે મોંઘી પડી શકે છે : કેટલાક મુસાફરો દ્વારા મેટ્રોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યા બાદ નિર્ણય

અમદાવાદ, તા.૩ : જો તમે મેટ્રોમાં કચરો કર્યો, થૂંક્યા કે તેના કોચને નુકસાન પહોંચાડો અથવા સેફ્ટી બટન સાથે ચેડા કરો તો તમારે ૫૦૦૦ રૃપિયા સુધીનો ડંડ ભરવો પડશે અને જેલના સળિયા પાછળ જવાનો પણ વારો આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ કેટલાક મુસાફરો દ્વારા મેટ્રોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યા બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

કેટલાક મુસાફરો મેટ્રો કોચની અંદર થૂંકતા અને તેની સીટોને નુકસાન પહોંચાડતા પકડાયા છે. કેટલાક કારણ વગર ઈમર્જન્સી એક્ઝિટ બટન પણ દાબ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા સ્ક્વોડની ગોઠવણ કરી છે કે જે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રો રૃટ પર નુકસાન કરશે તેમને પકડવામાં આવશે.

જીએમઆરસીના અધિકારીએ જણાવ્યું કે મેટ્રો રેલવે સેવાની ઓક્ટોબરમાં શરુઆત થઈ ત્યારથી (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ એક્ટ ૨૦૦૨)નું સખત રીતે પાલન થાય તેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગે પહેલા જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરાશે અને તે પછી નિયમો લાગુ કરવામાં આવશે. જીએમઆરસીના અધિકારી જણાવે છે કે, *મેટ્રો રેલ શરુ થયાને હજુ એક મહિના જેટલો સમય થયો છે ત્યાં કેટલાક મુસાફરોએ તેમાં મજા માટે કચરો ફેંકતા અને ઈમર્જન્સી કમ્યુનિકેશન સિસ્ટમનો દુરોપયોગ કરતા જોવા મળ્યા છે. લોકો મેટ્રોમાં એલિવેટમાં રમકડની જેમ ફોનનો ઉપયોગ કરે છે. આ બાબત ભલે મહત્વની ના લાગતી હોય, પરંતુ તે આસપાસના લોકો માટે ખતરો ઉભો કરનારી છે.*

આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું કે, મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) એક્ટ ૨૦૦૨ મુજબ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડનારને ૨૦૦ રૃપિયાથી શરુ થતો દંડ અને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આજ રીતે મુસાફરો અથવા જેઓ મેટ્રોમાં લાગેલા કમ્યુનિકેશનના સાધનોનોનો દુરોપયોગ કરે છે, કોઈ કારણ વગર બેલ અથવા એલાર્મનો ઉપયોગ કરે છે તેમને ૧ વર્ષની જેલની સજા થઈ શકે છે. મેટ્રોની ટિકિટ સાથે ચેડા કરવા પર ૬ મહિનાની જેલની સજા થશે. તંત્ર દ્વારા સફાઈ માટેની ડ્રાઈવ પણ શરુ કરી છે.

જો કોઈ વ્યક્તિ લોકોને નુકસાન પહોંચે તેવી વસ્તુ ટ્રેનમાં લઈ જશે તો તેને ૪ વર્ષની જેલની સજા અને ૫૦૦૦ રૃપિયાનો દંડ થશે. દોષિત ઠરેલા લોકો નુકસાન કે ઈજા માટે જવાબદાર રહેશે. જો મેટ્રોમાં ચિતરામણ કરી તો ૬ મહિનાની જેલ અને ૫૦૦ રૃપિયાનો દંડ થશે. અન્ય વ્યક્તિને નુકસાન થયા તેવું કૃત્ય કરનારા લોકોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

(7:29 pm IST)