Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ડો.રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ

ડો. રાજેન્દ્ર પ્રસાદે ગાંધીજીના અતિ વિશ્વાસુ સાથીદાર તરીકે રહી સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી : ધારાસભ્ય શંભુજી ઠાકોર

ગાંધીનગર, તા. ૩ : આજે તા. ૩જી ડિસેમ્બર-૧૮૮૪ના રોજ બિહારમાં જન્મેલા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને વિધાનસભા પૂર્વ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આઝાદીકાળના સંસ્મરણો યાદ કરતાં કહ્યું હતું કે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજીના અતિ વિશ્વાસુ અને સૌથી નજીકના સાથીદાર હતા. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં અને ખાદી પ્રચારમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો મહત્વનો ફાળો છે.

આ પ્રસંગે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલ, ઉચ્ચ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુકિત સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.

(3:42 pm IST)