Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અમદાવાદના 771 કરોડના વિકાસકામોનું લોકાર્પણ : BRTS કોરીડોરમાં 60 ઇલેક્ટ્રિક બસ દોડશે : ત્રણ નવા રૂટ શરૂ કરાશે

બરોડા એક્સપ્રેસ-વે પર પે એન્ડ યૂઝ ટોઈલેટ અને વસ્ત્રાલ અને ચાંદખેડામાં વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન સહિતના વિકાસ કામોનું લોકાર્પણ

અમદાવાદ : શહેરને આશરે 711 કરોડના વિકાસકામોનું સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે CM દ્વારા લોકાર્પણ કરાશે. લોકાર્પણ કરવામાં આવતા વિવિધ વિકાસકામોમાં સાત કરોડના ખર્ચે રિડેવલેપ કરવામાં આવેલા વિક્ટોરિયા ગાર્ડન ઉપરાંત BRTS માટે 60 ઈલેક્ટ્રિક બસ અને ચાર્જિંગ સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે.

શુક્રવારથી બીઆરટીએસના 1.40 લાખથી વધુ પેસેન્જરો માટે ત્રણ નવા રૂટ શરૂ કરાશે, જેમાં નહેરુનગરથી સાણંદ સર્કલ, નહેરુનગરથી સાઉથ બોપલ અને મણિનગરથી એરપોર્ટનો સમાવેશ થાય છે. પ્રદૂષણ મુક્ત કરવાની દિશામાં બીઆરટીએસમાં 100 કરોડના ખર્ચે 60 જેટલી ઈલેકટ્રિક બસ તથા 18 ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ સીએમ દ્વારા કરાશે. અમદાવાદ પૂર્વમાં અજિત મિલ જંકશન ફલાય ઓવરબ્રિજનું સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલ લોકાર્પણ કરશે.

બરોડા એક્સપ્રેસ-વે પર પે એન્ડ યૂઝ ટોઈલેટનો પણ લોકાર્પણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વસ્ત્રાલ અને ચાંદખેડામાં વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

BRTS સત્તાવાળાઓ આજથી નહેરુનગરથી કર્ણાવતી ક્લબ, પ્રહ્લાદનગર ક્રોસ રોડ, મકરબા રોડ થઈને સાણંદ સર્કલ સુધીનો નવો રૂટ શરૂ કરશે. ઉપરાંત સત્તાવાળાઓ નહેરુનગરથી સોબો સેન્ટર, સુખાસન ચાર રસ્તા થઈને સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ સુધીના નવા રૂટને પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલીઝંડી અપાશે. ઉપરાંક મણિનગરથી એરપોર્ટ સુધીનો ગીતા મંદિર, કાલુપુર અને સિવિલ હોસ્પિટલ થઈને નવો રૂટ શરૂ થવાનો છે.

તો વાસણાથી નરોડા ગામ જતા બીઆરટીએસ રૂટને છ કિમી સુધી લંબાવાયો છે. હવે આ બસ મુક્તિધામ નરોડા, હરિદર્શન ચાર રસ્તા, સ્વામિનારાયણ પાર્ક, સ્થાપત્ય એલિગન્સ થઈને હંસપુરા રિંગરોડ જશે. બીઆરટીએસ કોરિડોરમાં આજથી ટાટાની માલિકીની 60 ઇલેક્ટ્રિક બસ દોડતી થવાની છે. આની સાથે બીઆરટીએસમાં કુલ 375 બસ થશે.

ત્રણ નવા રૂટ શરૂ થવાના હોવાથી બીઆરટીએસ બસ સર્વિસના કુલ રૂટ 15થી વધીને 18 થશે. નહેરુનગરથી બે અને મણિનગરથી એક રૂટ શરૂ થવાનો છે, જ્યારે વાસણાના રૂટને લંબાવાયો છે.

(8:16 pm IST)