Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

અમદાવાદમાં લૂંટારૂ ગેંગનો આતંક વધ્યો : સોનીની દુકાનમાંથી રોકડા અને દાગીનાની લૂંટઃ ફાયરિંગ

અમદાવાદ,તા. ૪: શહેર પોલીસ માટે નવું વર્ષ જાણે કે એક પડકાર લઈને શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે, નવા વર્ષની શરૂઆત પહેલાથી જ અમદાવાદ શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓ બની રહી છે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે વસ્ત્રાલમાં પૈસાની લેતી દેતીમાં છ રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા, મેઘાણી નગરમાં કરોડોના સોનાના દાગીનાના પાર્સલની લૂંટ, મેઘાણીનગરમાં હત્યાનો બનાવ અને બાદમાં ઠક્કરબાપા નગર બ્રિજ પાસે ફાયરીંગ કરી લૂંટનો બનાવ. તો વળી રવિવારે મોડી સાંજે નિકોલ વિસ્તારમાં લુંટારૂ ગેંગે આતંક મચાવતા જવેલર્સમાં લૂંટને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કર્યું છે.

નિકોલ વિસ્તારના ઉમિયા ચોકમાં આવેલા વિરલ ગોલ્ડ પેલેસના માલિક માટે રવિવાર ભારે સાબિત થયો છે. જવેલર્સના માલિક દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા.

તે દરમિયાન ચાર લુંટારૂઓ દુકાનમાં ઘુસી આવ્યા હતા અને લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું. જોકે, દુકાનદાર પ્રતિકાર કરતા લૂંટારુઓએ તેને માર પણ માર્યો હતો. અને અંદાજીત રૂપિયા ૨.૫ લાખ રોકડ તેમજ ૪ લાખની આસપાસના સોના ચાંદીનાં દાગીનાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે.

એટલું જ નહિ, લોકોમાં ભયનો માહોલ ઊભો થાય તેમ એક લૂંટારુઓએ બહાર નીકળી ફાયરિંગ પણ કર્યું હતું. જેથી કરીને બહાર એકઠા થયેલા કોઈ વ્યકિત પ્રતિકાર ના કરી શકે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જોકે, ઘટના સીસીટીવી કેમેરા પણ કેદ થઈ હતી. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે એવી પણ આશંકા છે કે, ઠક્કરબાપાનગર બ્રિજ પાસે પાન મસાલાના હોલસેલ વેપારીને ત્યાં લૂંટને અંજામ આપનાર ગેંગે જ આ ઘટનાને અંજામ આપ્યો છે.

(2:39 pm IST)