Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

કર્ણાટકમાં ગુજરાતી હસ્તકલાની બોલબાલાઃ સરકાર દ્વારા મૈસુરમાં પ્રદર્શન અને વેંચાણ

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળના ઇન્ડેક્ષ સી-દ્વારા કર્ણાટકના મૈસુર ખાતે તા.૩૦ ડીેસેમ્બરથી ૧૨ જાન્યુઆરી સુધી યોજાયેલ ગુજરાત હેન્ડીક્રાફટ ઉત્સવ (પ્રદર્શન -વેચાણ)ના ઉદઘાટન પ્રસંગની તસ્વીર.

    રાજકોટ, તા., ૪:  મૈસુર-કર્ણાટકમાં ગુજરાતી હાથશાળ-હસ્તકલાના કલા કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ માટે “ગુજરાત હેન્ડીક્રાફટસ ઉત્સવ” નુ પ્રદર્શન-સહ-વેચાણનુ તા.૩૦-૧૨-૨૦૨૦ થી તા.૧૨-૦૧-૨૦૨૧ સુધી ઈન્ડેક્ષ-સી દ્વારા યોજેલ છે.

  ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્ય રાજયોમાં માર્કેટિંગ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. રાજયના અંતરિયાળ ગામોનાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન-સહ-નિદર્શન કરવામાં આવે છે.

       મૈસુર-કર્ણાટકમાં જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ ખાતે ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત સતત પાંચમા વર્ષે પણ “ગુજરાત હન્ડીક્રાફ્ટસ ઉત્સવ” થકી ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવેલ છે.

      મૈસુર-કર્ણાટકના આ આયોજનમાં તા.૩૦-૧૨-૨૦૨૦ થી તા.૧૨-૦૧-૨૦૨૧ સુધીમાં ગુજરાતનાં કચ્છ, સાંબરકાંઠા, ભાવનગર, સુરત, બનાસકાંઠા, પાટણ, મોરબી, જુનાગઢ, અમદાવાદ મળી ૪૫ જેટલા કલા-કસબીઓ દ્વારા કચ્છી શાલ- એમ્બ્રોઇડરી - કોપર બેલ - અજરખ બ્લોક પ્રિન્ટ -બાંધણી, મોતીકામ, ભરતકામ, ઉનના દોરાની બનાવટ, ચણીયા-ચોળી, ચર્મકામ તથા ગૃહ સુશોભનની હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવી રહ્યું છે.

       મૈસુરની કલા-રસિક જનતા ગુજરાતી હસ્તકલાને આવકારે છે અને મૈસુરમાં તેની બોલબાલા છે. મૈસુર હાટ ખાતે યોજાતા મેળાઓમાં “ગુજરાત હેન્ડીક્રાફટસ ઉત્સવ” થકી ગુજરાતની હસ્તકલાનો દબદબા સાથે ગુજરાતની હસ્તકલા લોકોમાં છવાયેલી રહે છે.

     મૈસુર હાટ ખાતેનુ સમગ્ર આયોજન ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી. એમ.શુકલ GAS ના દિશા-સૂચન અને માર્ગદર્શન હેઠળ મેનેજર(વર્ગ-૧) શ્રી આર.આર. જાદવ દ્વારા આયોજન અને સંકલન કરેલ છે. મૈસુરમાં જેનુ સંચાલન મેનેજર(માર્કેટીંગ) ર્ડા.સ્નેહલ મકવાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે.  ઈન્ડેક્ષ્ટ-સી ના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની હસ્તકલાને જીવંત રાખી બહોળા પ્રમાણમાં  વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

(2:40 pm IST)