Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના 3 દિવસના પ્રવાસેઃ કમલમ્‌ ખાતે મુખ્‍યમંત્રી-નાયબ મુખ્‍યમંત્રી પ્રદેશ પ્રમુખની ઉપસ્‍થિતિમાં બેઠક

અમદવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે પી નડ્ડાનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઢોલના તાલે સ્વાગત કરવમાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

આજે બપોરે 3 કલાકે જે પી નડ્ડા એરપોર્ટ પર આવશે. ત્યારબાદ જે પી નડ્ડાની અધ્યક્ષા હેઠળ કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ આ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. આ વખતે આપ પણ મેદાને ઉતર્યું છે. ત્યારે જેપી નડ્ડાની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આવતીકાલથી શરૂ થનારી RSS ની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં પણ જે પી નડ્ડા ભાગ લેશે.

કમલમ ખાતે યોજાનારી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત બેઠકમાં હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જેપી નડ્ડા પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી તૈયારીઓનું નિરક્ષણ કરશે.

(5:35 pm IST)