Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

તાપણું કરતા અચાનક ભડકો થતા પાંચ લોકો દાઝી ગયા

બનાસકાંઠામાં ઠંડીથી બચવા માટે તાપણું કર્યું : ગંભીર રીતે દાઝી જતા મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ

બનાસકાંઠા,તા. : બનાસકાંઠાના સરાલ ગામમા આજે વહેલી સવારે તાપણું કરતાં પાંચ લોકો દાઝ્યા હોવાની ઘટના બની છે. તાપણું કરવા માટે પેટ્રોલ છાંટતા અચાનક આગ ભભૂકી ઉઠેલી. જેના કારણે આગમાં પાંચ લોકો દાઝી જતાં સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રયાસ કરતા હોય છે. ધાનેરાના સરાલ ગામમાં પણ આજે વહેલી સવારે પાંચ લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતા. તાપણું કરવા માટે ગોઠવેલા લાકડામાં પેટ્રોલ છાંટતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ ભભૂકી ઉઠેલી આગમાં પાંચ લોકોના ચહેરા અને હાથ ગંભીર રીતે દાઝી જતાં આજુબાજુના લોકોએ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક મહિલાની ગંભીર રીતે દાઝી જતા તેની તબિયત વધુ બગડતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં ખાલી હતી. ઠંડીથી બચવા માટે તાપણું કરવામાં બેદરકારી દાખવવા બદલ પાંચ લોકોની હાલત દયનીય બની છે.

(9:17 pm IST)