Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આજે કમલમ ખાતે પાટીલની અધ્યક્ષતામાં બેઠકઃ પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખ હાજર રહેશે

એક દિવસ-એક જીલ્લાની નવી પહેલના આયોજન અંતર્ગત ગાંધીનગરમાં

ગાંધીનગર,તા.૪: ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખની બેઠક યોજાશે. જેમાં ભાજપના આગામી કાર્યક્રમો અંગે મંથન કરાશે.

વિધાનસભાની ચૂંટણીની તૈયારી ગુજરાત ભાજપે અત્યારથી જ આદરી દીધી છે ત્યારે પહેલાથી ભાજપ આંતરિક વિખવાદ દૂર કરવાના હેતુસર આ આયોજનના સોગઠાં ગોઠવી દેવામાં આવ્યા છે. અંદર ખાને આવનારી ચૂંટણી માટે મુરતિયા શોધવા માટે એક સેન્સની પ્રક્રિયા અલગ નામ આપી કરવામાં આવી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી તમામ જિલ્લાઓમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ ખુદ જઈ ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા સ્તરની કચાશ દૂર કરવા પ્રયાસ કરશે.

ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન ૧૮૨ અંતર્ગત ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાતના દરેક જિલ્લાઓમાં એક-એક દિવસનો પ્રવાસ કરશે. અને ભાજપની ચૂંટાયેલા પાંખ, સંગઠનના નેતા, મંડળસરના નેતાઓને મળશે. આ સાથે સામાન્ય-સક્રિય અને પ્રાથમિક કાર્યકરો સાથે પણ મુલાકાતો કરશે. અને તેમની સાથે ભાજપના જૂના નેતાઓ સાથે પણ રૂબરૂ ચર્ચાઓ કરશે.

(12:44 pm IST)