Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ર૦રર ના પ્રારંભથી જ ભાજપ ઇલેકશન મોડમાં : કાર્યક્રમોની હારમાળા

પ્રદેશ હોદેદારો, ધારાસભ્યો, સાંસદોની બેઠકમાં ઘડાતી પ્રાથમિક રણનીતિઃ મોદી સહિતના કેન્દ્રીય નેતાઓના પ્રવાસ શરૂ થશે : મહિલાઓ, યુવાનો અને વિવિધ ક્ષેત્રના સંમેલનો યોજાશેઃ ધારાસભ્યોને ૩૦૦-૩૦૦ શુભેચ્છકોની યાદી બનાવવા સૂચના

રાજકોટ તા. ૪ :.. ગુજરાત ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ હોદેદારોની બેઠક આજે ગાંધીનગર કમલમ ખાતે મળેલ. જેમાં ર૦રર થી ધારાસભ્યની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવેલ. પ્રદેશ પ્રમુખે પેઇઝ પ્રમુખની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપેલ. ર૦રરના ઉતરાર્ધમાં રાજયમાં ધારાસભ્યની ચૂંટણી છે પણ પાર્ટી અત્યારથી જ ઇલેકશન મોડમાં આવી ગઇ છે. ટૂંક સમયમાં કાર્યક્રમોની  હારમાળા સર્જાશે.

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા સહિત પ રાજયોની ચૂંટણી પૂરી થાય એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડા વગેરે ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરશે. ટોચના  કેન્દ્રીય નેતાઓના વારંવારના ગુજરાત પ્રવાસો એપ્રિલ આસપાસથી શરૂ થશે.

ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા ઝોવનાઇઝ સંમેલનો થશે. અન્ય મોરચા-સેલ દ્વારા જિલ્લા અને ઝોન પ્રમાણે કાર્યક્રમો થશે. ૬ એપ્રિલે પાર્ટીનો સ્થાપના દિન ઉજવાશે. પાર્ટીની  જીત માટે પેઇઝ પ્રમુખની યોજના મહત્વની છે. આજે પ્રદેશ પ્રમુખે આ યોજના પર વધુ ભાર મૂકયો છે. ભાજપના આગામી કાર્યક્રમોમાં સંખ્યા એકત્રીકરણમાં ઉપયોગી થાય તેવા ૩૦૦ - ૩૦૦ શુભેચ્છકોની સંપૂર્ણ માહિતી સાથેની યાદી તૈયાર કરવા દરેક ધારાસભ્યને સૂચના અપાયેલ છે.

(3:47 pm IST)