Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભર શિયાળે શાક-બકાલુ મોંઘુઃ ઉંધીયુ મોંઘુ પડે છે

ગુજરાત અને મહારાષ્ટ્રમાં શાકભાજીની અછતને કારણે થયો ભાવવધારો : જથ્‍થાબંધ બજારમાંથી નીકળ્‍યા પછી વેપારીઓ મનફાવે તેવો ભાવ લે છે

અમદાવાદ, તા.૪: ગુરુવારના રોજ પ્રાંતિજથી ટ્રક ભરીને ફ્‌લાવરને ટ્રાન્‍સપોર્ટ કરવામાં આવ્‍યા, જેની કિંમત હતી ૩૫ રુપિયા પ્રતિ કિલો. અહીં નોંધનીય છે કે આ કિંમતની સાથે ટ્રાન્‍સપોર્ટેશન કોસ્‍ટ હજી ઉમેરવામાં નથી આવ્‍યો. માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્રમાં પણ શાકભાજીની અછતને કારણે ભાવ આસમાને પહોંચ્‍યા છે. શાકભાજીમાં એટલી હદે ભાવવધારો થયો છે કે અમુક શાક તો ૧૦૦ રુપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.
એપીએમસીના સૂત્રો જણાવે છે કે, ગયા વર્ષે જથ્‍થાબંધ બજારમાં ફ્‌લાવર ૧૦ રુપિયા પ્રતિ કિલો વેચાતુ હતું, આજે તેની કિંમત ૩૦ રુપિયા છે. આ ભાવ તો જથ્‍થાબંધ બજારનો છે, વપરાશકર્તા સુધી પહોંચશે ત્‍યાં સુધીમાં તેની કિંમત ૧૫૦ રુપિયા સુધી થઈ શકે છે. નામ જાહેર ન કરવાની શરતે એપીએમસીના એક કર્મચારીએ કહ્યું કે, ઉત્તરાયણ સુધી અમદાવાદીઓ ભરપૂર પ્રમાણમાં શાકભાજી આરોગશે, માટે ત્‍યાં સુધી તો ભાવમાં દ્યટાડો થવાની કોઈ શક્‍યતા જણાઈ નથી રહી. માત્ર ઉત્તરાયણના દિવસે જ નહીં, શિયાળામાં આમ પણ લોકો ઉંધિયું બનાવતા હોય છે, જેના કારણે શાકભાજીના વપરાશમાં ૩૦ ટકા જેટલો વધારો ચોક્કસપણે નોંધાશે.
એપીએમસી સેક્રેટરી દીપક પટેલ જણાવે છે કે, વાતાવરણમાં થયેલા પરિવર્તનને કારણે ઉત્‍પાદન પ્રભાવિત થયું છે. ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠું પડે તેવી આગાહી વ્‍યક્‍ત કરવામાં આવી છે. જો આ આગાહી સાચી પડશે તો ખેડૂતોએ નુકસાન ભોગવવું પડશે. મહારાષ્ટ્રમાં ખાસકરીને નાસિક પટ્ટામાં શાકભાજીનું ઉત્‍પાદન દ્યણું ઓછું થયું છે. માટે ફ્‌લાવરને પ્રાંતિજથી મુંબઈ મોકલવામાં આવ્‍યા છે.
એપીએમસીના એક ડીલર જાવેદ શેખ જણાવે છે કે, બટેટા અને ડુંગળી સહિત શહેરમાં ૩૬૦ ટન શાકભાજી આવે છે. આમાંથી ૨૦૦ ટન લીલા શાકભાજી હોય છે. એપીએમસી માર્કેટમાંથી શાકભાજી રાજસ્‍થાન, દિલ્‍હી અને દેશના ઉત્તરી વિસ્‍તારોમાં મોકલવામાં આવે છે. આ વિસ્‍તારોમાંથી માંગ વધારે હોય છે અને દિલ્‍હી તેમજ રાજસ્‍થાનથી ભાવ પણ સારો મળે છે. જેના પરિણામે શહેરમાં શાકભાજીની અછત સર્જાય છે.
APMCના એક પદાધિકારીના જણાવ્‍યા અનુસાર શાકભાજીના ભાવ ભલે વધ્‍યા હોય પરંતુ તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થયો. તેઓ જણાવે છે કે, જથ્‍થાબંધ માર્કેટમાં કોઈ શાકની કિંમત ૩૫ રુપિયા પ્રતિ કિલો હોય તો ખેડૂતને તે માત્ર ૨૦ અથવા ૨૫ રુપિયા પ્રતિ કિલો મળશે. બાકીના પૈસા ડીલર કમિશન તરીકે વસૂલશે. એપીએમસી રીટેલ માર્કેટનું નિયંત્રણ નથી કરતું, માટે શહેરમાં શાકભાજીના ભાવ બેફામ વધી રહ્યા છે. ઉદાહરણ તરીકે, જમાલપુરમાં ટમેટાનો ભાવ ૩૫ રુપિયા પ્રતિ કિલો છે. શહેરના પૂર્વીય વિસ્‍તારોમાં તમને ટમેટા ૪૫ અથવા ૫૦ રુપિયા પ્રતિ કિલો મળશે. પરંતુ જો તમે નવરંગપુરા જશો તો તમને ટમેટા ૭૦ રુપિયા પ્રતિ કિલો મળશે અને સેટેલાઈટમાં ૮૦ રુપિયા પ્રતિ કિલો મળશે.

 

(3:53 pm IST)