Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મહેસાણા જિલ્લાના ઊંઢાઈથી શોભાસણ નજીક એકાએક રસ્તા પર ભૂંડ આવી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સો ઈજાગ્રસ્ત

મહેસાણા:જિલ્લાના ઊંઢાઈથી શોભાસણ રોડ પર સાંજના સુમારે એકાએક ભૂંડ વચ્ચે આવી જતાં બે મોટરસાયકલ ટકરાયા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક વ્યકિતનું કેનાલના પાણીમાં તણાઈ જવાના કારણે મોત થયું હતું. જયારે બે શખસોને ઈજા થતાં સારવાર માટે વડનગર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ધાનેરાના નાના મેડાગામના વતની અને છંલ્લા નવેક વર્ષથી વડનગરની તુલસી સોસાયટીમાં રહેતા અશોક ઈશ્વરભાઈ નાયી પોતાના કૌટુંબિક ભાઈ અરવિંદભાઈ રાવતાભાઈ નાયી બાઈક ઉપર સાંજના સુમારે સાસરીમાં વિજાપુર જઈ રહ્યા હતા. તેમની સાથે વેવાઈ મુકેશભાઈ સોમાભાઈ નાયી રહે,ભીનમાલ,રાજસ્થાન તેમના બાઈક ઉપર આવી રહ્યા હતા.રસ્તામાં ઊંઢાઈથી શોભાસણ રોડ પર કેનાલ નજીક એકાએક ભૂંડ આવી જતાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાછળ આવી રહેલ અશોક નાયીની બાઈક સાથે ટક્કર થઈ હતી.જેથી બાઈક સાથે ઢસડાતાં અશોક અને તેમના ભાઈ અરવિંદ પિલ્લરને અથડાઈને કેનાલમાં પડયા હતા.જોકે,અશોક નાયીના હાથમાં કેનાલની સપોટ પાઈપ આવી જતાં તેઓ તેને પકડીને બહાર આવી જતાં તેમનો ચમત્કારીક બચાવ થયો હતો. જયારે અરવિંદભાઈ કેનાલના ધસમસતા પાણીમાં તણાઈ જતાં તેઓનું મોત નીપજ્યું હતું. બન્ને ઈજાગ્રસ્તોએ બુમાબુમ કરતાં નજીકથી ગ્રામજનો આવી ગયા હતા અને તેઓને સારવાર માટે વડનગર સિવીલમાં ખસેડાયા હતા. આ અંગે વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:39 pm IST)