Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મુલ્યાંકન : એકમ કસોટીમાંથી મહત્તમ 10 ગુણ મળશે

ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ: ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ અપાશે :શાળાના આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે: માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે.

અમદાવાદ : કોરોનાની કપરી પરિસ્થિતમાં રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે આપવું અને વિદ્યાર્થીને ધો.11માં કેવી રીતે પ્રવેશ મેળવવો એ અંગે પણ મૂંઝવણ હતી સાથે સાથે ધો10ના વિદ્યાર્થીઓના વાલીઓ પણ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આજે સરકાર દ્વારા ધો.10ના પરિણામ અંગે જાહેરાત કરી હતી. જેમાં સરકારે જાહેર કર્યું હતું કે, 9માં ધોરણની સામાયિક કસોટી અને ધો-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. આ પરિણામ જૂન મહિનાના અંતિમ અઠવાડીયામાં જાહેર થશે

ધોરણ 10ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલા માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે.

આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે. એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે. ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે. ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ રહેશે. ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે. ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે. શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે.

મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે

આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એખ કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.

(10:18 pm IST)