Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ગુજરાતમાં ભૂગર્ભજળ વાપરવાં જોખમી : ઉ.ગુજરાત માટે રેડ એલર્ટ

ગુજરાત જળ વ્યવસ્થાપનમાં સમગ્ર દેશમાં નંબર વન છે, પરંતુ ભૂગર્ભ જળના નિયંત્રણ માટે કોઇ નીતિ નથી, ઉત્ત્।ર ગુજરાત માટે રેડ એલર્ટ

નવી દિલ્હી,તા. ૪: ગુજરાતમાં એટલી બધી માત્રામાં ભૂગર્ભ જળનું દોહન થયું છે કે ખુદ કેન્દ્રએ ચેતવણી આપવી પડી છે કે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન નહીં થાય તો રાજયમાં પીવાના પાણીની મોટી સમસ્યા ઉદ્દભવી શકે છે. એ સાથે ભૂગર્ભમાંથી વધુ જળનું દોહન કરવું ખતરનાક સાબિત થઇ શકે છે. રાજયમાં ઉત્ત્।ર ગુજરાત એવો પ્રદેશ છે કે જયાં સરફેસ વોટર મળવું મુશ્કેલ હોવાથી પાણી માટેના બોરવેલ અને કુવાઓનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય નીતિ આયોગે થોડાં મહિનાઓ પહેલાં તૈયાર કરેલા રિપોર્ટમાં નોંધ્યું છે કે ગુજરાત સરકાર જળ વ્યવસ્થાપનમાં દેશમાં પ્રથમ ક્રમે છે પરંતુ ભૂગર્ભ જળના વધતા જતા દોહન સામે ચિંતીત નથી.

કૂવાં અને બોરવેલમાંથી પાણી લેવામાં આવે છે પરંતુ જમીનને તે પાણી ચોમાસા દરમ્યાન પાછું આપી શકાય તેવી કોઇ વ્યવસ્થા ગુજરાતે વિકસાવી નથી. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેકટરમાં બનાવવામાં આવેલી નીતિનો અસરકારક અમલ કરવામાં આવતો નથી. ઉત્ત્।ર ગુજરાતમાં એટલું બધું જળ દોહન થયું છે કે હવે નવા બોરવેલ પણ નિષ્ફળ જઇ રહ્યાં છે.

ખેતરોમાં કરવામાં આવતા કૂવા તેમજ શહેરી વિસ્તારમાં બની રહેલા મકાનોમાં જયાં પણ બોરવેલ બનાવવામાં આવે છે ત્યાં રિચાર્જીંગ વેલ બનાવવામાં આવતા નથી. સરકારે પરિપત્ર કરીને સૂચના આપી છે પરંતુ તેના માટેનો કોઇ કાયદો બની શકયો નથી તેથી બેફામ પણે ભૂગર્ભ જળનું દોહન થઇ રહ્યું છે જેની કેન્દ્ર સરકારે થોડાં સમય પહેલાં ગંભીર નોંધ લીધી છે.

કમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેકસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિન હિમાયલી રાજયોમાં ૫૫ ટકા ભૂગર્ભ જળ સંશાધનના પ્રબંધન માટે એક નિયામક તંત્ર છે પરંતુ તેમાં ગુજરાતનો સમાવેશ થયો નથી, કારણ કે કેન્દ્રની વારંવારની સૂચના હોવા છતાં ગુજરાતે હજી સુધી આવું કોઇ તંત્ર બનાવ્યું નથી.

ગુજરાતે ભૂગર્ભ જળનો કાયાકલ્પ કરવાની જરૂરિયાત છે, કારણ કે કૂવા અને બોર બનાવીને પાણી ખેંચી લેવામાં આવે છે પરંતુ રિચાર્જીંગની કોઇ સુવિધા ઉભી કરવામાં આવતી નથી. ગુજરાત પાસે દેશના કુલ ભૂગર્ભ જળનો ૫.૩ ટકા હિસ્સો છે અને દેશના કૃષિ ઉત્પાદનમાં ૪.૫ ટકાનું યોગદાન છે.

રાજયના જળ સંસાધન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂગર્ભ જળની માત્રા ઓછી થઇ રહી છે. સૌથી વધુ દોહન કૃષિ સેકટરમાં થાય છે ત્યારબાદ રિયલ એસ્ટેટ સેકટરમાં છે. તેમણે કહ્યું હતું કે ભૂગર્ભ જળ અંતે ચોક્કસ નીતિ બનાવીને કૃષિ, ઉદ્યોગ, રિયલ એસ્ટેટ અને પીવાના પાણી અંગે ગાઇડલાઇન નક્કી કરશે.

આ તમામ સેકટરો માટે નવા કાયદા બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં જેટલા કુવા અને બોરવેલ બનાવવામાં આવ્યા છે તેમાં વરસાદી પાણી ઉતારવાની રિચાર્જીંગ વેલની સિસ્ટમ લાગુ કરવા માટે વિવિધ સેકટરો અને સંગઠનોને આદેશ કરવામાં આવેશે કે જેથી કુવામાં પાણીના તળ ઉંચા આવી શકે.

(10:24 am IST)