Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સફળતા:સુરત સાયબર સેલે ક્રેડિટ કાર્ડ પર છેતરપિંડી કરનારી જામતારાના મુખ્ય સૂત્રધાર સાથે ગેંગને પકડી

ઝારખંડના જામતારાના મુખ્ય સુત્રધાર સહિતના કુલ 6 ની સાઇબર ક્રાઇમ કરતી ગેંગને પકડી પાડી : મોટી સફળતા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : ઝારખંડના જામતારાના સાઇબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા લોકોના ક્રેડિટ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી તેના સુરતના સાથીઓ દ્વારા લાઇટ બિલ ભરવાનું કૌભાંડ ચાલતુ હતુ. આ કૌભાંડને સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડી પાડ્યું હતુ. તેમજ તેમણે ઝારખંડના જામતારાના મુખ્ય સુત્રધાર સહિતના કુલ 6 ની સાઇબર ક્રાઇમ કરતી ગેંગને પકડી પાડી મોટી સફળતા મેળવી છે.

 પોલીસ કમિશનર અજય કુમાર તોમર, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ, પી. એમ. મલ, નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ, રાહુલ પટેલ, મદદનિશ કમિશનર સાયબર ક્રાઇમ વાય. એ. ગોહિલ, ડી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઇ ટી. આર. ચૌધરી, બી. ડી. ગોહિલ વગેરેએ મળી સાઇબર ક્રાઇમ ગેંગને પકડી પાડી છે. તેમની પાસે ગત 22મી મેના રોજ સાઇબર ક્રાઇમની ફરિયાદ આવી હતી. જેમાં સુરતના એક રહીશ પર ફોન આવ્યો અને તેને ક્રેડિટ કાર્ડ પર વાઉચર મળે છે એવું કહી તેની પાસેથી ઓટીપી નંબર માંગી લેવાયો હતો. ત્યારબાદ તેના ક્રેડિટ કાર્ડથી ટોરેન્ટ પાવરનું લાઇટબિલ ભરી દેવાયું હતુ. તેમના કાર્ડથી રૂ. 14240 અને રૂ. 21873 નું બિલ ભરી દેતાં તેને છેતરપિંડી થઇ હોવાની જાણકારી થઇ હતી. જેના માટે તેણે સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી.

 આ ફરિયાદના પગલે કતારગામ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતાં સાયબર ક્રાઇમની ટીમે ઝારખંડના જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ તેમજ તેના સાથી વિરભદ્રસિંહ ધરમેન્દ્રસિંંહ ઝાલા( રહે. ભાવનગર) મેહુલ જવેરભાઇ કાકડિયા (રહે. કતારગામ સુરત)  યશ ભરત ભુપતાણી (રહે. અમરેલી સુરત) મનિષ દેવરાજ ભુવા (રહે. કતારગામ સુરત) મિલન હરસુખ ચોવટીયા (રહે. કતારગામ સુરત) ની ધરપકડ કરી હતી. આ તમામ ટોળકી સ્થાનિકોના બિલ ઉઘરાવી એક પોર્ટલ પરથી ઝારખંડના ઠગ પાસેથી લોકોના ક્રેડિટ કાર્ડ હેક કરી બિલ ભરાવતા હતા. જેમાં તેમણે ગુજરાતના 2113, પંજાબના 113, હરિયાણાના 11, રાજસ્થાનના 5, ઉત્તરપ્રદેશના 2 અને મહારાષ્ટ્રના 1 બિલ ભરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. આ કૌભાડ બહાર આવતા પોલીસે તેના ઠગ ટોળકીના વિવિધ ખાતામાં જમા રૂ. 59,93,046 ફ્રિઝ કરી દીધા છે.

(11:17 am IST)