Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રિ-મોન્સુન એકટીવીટીનો પ્રારંભઃ સોમવાર સુધી આગાહી

ગઇ સાંજે સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનો રાઉન્ડ

રાજકોટઃ ચોમાસાની સત્તાવાર શરુઆત થાય તે પૂર્વે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક રાઉન્ડ લીધો છે. જસદણના આંબરડીમાં માત્ર એક કલાકમાં ૪ ઈંચ વરસાદ પડયો હતો. તો ઉત્તર ગુજરાતમાં ઝાપટાંથી લઈને સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  બીજી તરફ અમદાવાદમાં પણ ગત મોડી રાતે જોરદાર વરસાદી ઝાપટુ પડયુ હોવાના સમાચાર મળી રહયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ગત મોડી સાંજે અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો છે. અમદાવાદના ઘાટલોડીયા, ગુરૂકુળ, સત્તાધાર એસજી હાઇવે, વસ્ત્રાપુર, જીવરાજપાર્ક, સેટેલાઇટ, બોપલમાં પણ વિજળી સાથે વરસાદ થયો છે. 

બીજી તરફ રાજકોટના જસદણમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં સોળે કળાએ ખીલનાર ગુજરાતનું ગીરીમથક સાપુતારામાં પણ મોડીરાતે ધોધમાર વરસાદ થયો હતો.

 કેરળમાં ચોમાસાનું આગમન થતાં હવે ગુજરાતમાં પણ પ્રિ-મોન્સુન એકિટવિટિનો પ્રારંભ થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં આજે પ્રથમ દિવસે શુક્રવારે દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ રવિવાર સુધીમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે ૪૦ કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. એટલે હવામાન વિભાગ પ્રમાણે રવિવાર અમદાવાદીઓ માટે ખાસ રહી શકે છે.

 આજથી રવિવાર સુધી આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી

૪ જુન,  દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર

 ૫ જુન, દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર

 ૬ જુન, ખેડા, પાટણ, દાહોદ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલી,

૭ જુન । દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દિવ, અમદાવાદ, આણંદ, ખેડા

 ૮ જુન । વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ

(11:48 am IST)