Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ્યના પાંચ જિલ્લા મથકોના સરકારી જિલ્લા ગ્રંથાલય-લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવાશે : અમદાવાદ - વડોદરા - રાજકોટ - મહેસાણા અને જૂનાગઢના જિલ્લા ગ્રંથાલયો માટે પ્રત્યેકમાં રૂપિયા એક-એક કરોડ સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા રાજ્ય સરકાર ફાળવશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય

આ ગ્રંથાલયોમાં સમયાનુકુલ અદ્યતન સુવિધાઓ સીસીટીવી-વાઇફાઇ નેટવર્ક-ઓડિયો-વિઝયુઅલ સિસ્ટમ ઉપરાંત રિફ્રેશમેન્ટ ઝોન-આર.ઓ પ્લાન્ટ-અદ્યતન ફર્નિચર અને નવા પુસ્તકો-વાંચન સામગ્રી-સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ બનાવાશે

રાજકોટ તા ૪,રાજ્યના વાંચન-સાહિત્ય પ્રેમીઓ, યુવાઓ, વિદ્યાર્થીઓને સમયાનુકુલ વાંચન-સંર્દભ સાહિત્ય સાથે ગ્રંથાલયોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના ઉદેશ્યથી પાંચ જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવામાં આવશેે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર મહત્વનો નિર્ણય લઇને રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢના સરકારી જિલ્લા ગ્રંથાલયો પ્રત્યેક માટે રૂ. ૧ કરોડ પ્રમાણે કુલ રૂ. પાંચ કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરી તરીકેનો અદ્યતન ઓપ આપવાની મંજૂરી આપી છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય અનુસાર આ પાંચ ગ્રંથાલયોમાં વાંચન તેમજ અભ્યાસ માટે આવનારા યુવાઓ, વાંચન-સાહિત્ય પ્રેમીઓ માટે આ તમામ ગ્રંથાલયોમાં વાઇફાઇ નેટવર્ક, આર.એફ.આઇ.ડી સિસ્ટમ, કોમ્પ્યુટર હાર્ડવેર, સોફટવેર, ઓડિયો વિઝયુઅલ સિસ્ટમની સુવિધા અને સી.સી.ટીવી કેમેરા ઉપલબ્ધ બનાવાશે*

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ગ્રંથાલયોમાં હાલ રહેલી વાંચન સામગ્રી, પુસ્તકો સંદર્ભગ્રંથો સાથે સમયાનુરૂપ નવું વાંચન અને સંદર્ભ સાહિત્ય પણ આ સ્માર્ટ લાયબ્રેરીઓમાં મળી રહે તેની વ્યવસ્થાઓ માટે પરવાનગી આપી છે. 

એટલું જ નહિ, આવા ગ્રંથાલયોમાં વાંચન-અભ્યાસ માટે આવનારા લોકો-યુવા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ફર્નિચર, આર.ઓ પ્લાન્ટ, ફાયર સિસ્ટમ અને રિફ્રેશમેન્ટ ઝોન પણ વિકસાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સરકારી ગ્રંથાલયોને અદ્યતન સુવિધાસભર બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધા રૂપે આ પાંચ જિલ્લા ગ્રંથાલયોને આધુનિક સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.

(4:11 pm IST)