Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

માણસા તાલુકામાં વહેલી સવારે વીજળી પડતા બે પશુઓના મોત

માણસા : માણસા પંથકમાં આજે વહેલી સવારે દિવસભરના ભારે ઉકળાટ બાદ ઓચિંતો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૃ થઇ ગયો હતો. ત્યારે તાલુકાના રંગપુર ગામે ખેડૂતના તબેલામાં બાંધેલા બે પશુ પર વીજળી પડતા તેના મોત થયા હતા તો અચાનક થયેલા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને પણ નુકશાન થયું હોવાનું મનાઇ રહ્યું છે.

માણસા તાલુકામાં ગઇકાલે દિવસભરની આકરી ગરમી બાદ આજે વહેલી પરોઢે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તાલુકાના રંગપુર ગામે રહેતાં સુરેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડાના ખેતરમાં બનાવવામાં આવેલ તબેલામાં દુધાળા પશુ બાંધવામાં આવ્યા હતા. તે જગ્યા પર વીજળી પડતાં એક ગાય અને એક ભેંસનું મૃત્યુ થયું હતું. જે બાબતની સવારે ખેડૂતને જાણ થતાં અને મોટું આર્થિક નુકશાન જતા ચિંતામાં મુકાઇ ગયા હતા અને બાબત જાણ તલાટી સહિત સંબંધિત તંત્રને કરી હતી તો ખેડૂતોનો ઉનાળાનો મુખ્ય પાક જુવા અને બાજરીના પાકને પણ ઓચિંતા થયેલા વરસાદથી ભારે નુકશાન થયું હોવાનું મનાઇ રહ્યું છે. વહેલી પરોઢે એમ એમ થયેલા વરસાદના કારણે માણસા શહેરમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં.

(5:49 pm IST)