Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

દહેગામના બાયડ ત્રણ રસ્તા નજીક દાદા-પૌત્રીને ડમ્પર ચાલકે હડફેટે લેતા દાદાએ ઘટનાસ્થળજે દમ તોડ્યો

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામમાં બાયડ ત્રણ રસ્તા પાસે ગઈકાલે રાત્રે બાઈક ઉપર જઈ રહેલા દાદા અને પૌત્રીને ડમ્પર ચાલકે અડફેટે લેતાં બન્નેને ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘાયલ દાદાનું મોત નીપજયું હતું. ઘટના અંગે દહેગામ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. દહેગામમાં ડમ્પરો દ્વારા અવારનવાર સર્જાતા અકસ્માતના કારણે લોકોમાં રોષ પણ ભભુક્યો છે.   

જિલ્લાના હાઈવે માર્ગો ઉપર રેતી ભરીને જતાં ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડતાં હોય છે અને તેના કારણે અકસ્માતના બનાવો સતત વધી રહયા છે. ત્યારે ગઈકાલે રાત્રે દહેગામના બાયડ ત્રણ રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર વૃધ્ધનું મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પ્રાંતિજના પુનાદરા ગામે રહેતા વખતસિંહ ઝાલા અને તેમની પૌત્રી બાઈક નં.જીજે-૦૯-ડીએફ-૩૩૨૦ લઈને અમરાભાઈના મુવાડા ગામે જઈ રહયા હતા. રાત્રે આઠ વાગ્યાની આસપાસ દહેગામના બાયડ ત્રણ રસ્તા પાસે ડમ્પર નં.જીજે-૦૭-વાયવાય-૨૧૩૨ના ચાલકે વખતસિંહના બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પૌત્રી શીતલને પણ ફ્રેકચર થઈ ગયું હતું. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા જયાં વખતસિંહને મૃત જાહેર કરાયા હતા. હાલ તો ઘટના અંગે દહેગામ પોલીસે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ ઝાલાની ફરીયાદના આધારે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગર જિલ્લામાં ડમ્પરો દ્વારા વધી રહેલા અકસ્માતોના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે ત્યારે પોલીસે ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ કરીને જતાં આવા ચાલકો સામે કડક પગલાં ભરવાની જરૃર ઉભી થઈ છે. 

(5:49 pm IST)