Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

૫૦ કિલો વજન વધારવા છતાં સુરતમાં વોન્ટેડ આરોપી ઝબ્બે

હરિફ ગેંગના સાગરિત પર હુમલાના કેસમાં આરોપી : આરોપી છેલ્લા અઢી વર્ષથી સુરતના વેસુમાં જ રહેતો હતો તેમ છતા કોઈપણ તેને ઓળખી શક્યું નહોતું

સુરત, તા. ૪ : શહેરના ડિંડોલી વિસ્તારમાં અઢી વર્ષ અગાઉ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા હરીફ ગેંગના સાગરીત પર જીવલેણ હુમલાના બનાવમાં વોન્ટેડ કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના સાગરિતને ડિંડોલીથી પોલીસે ઝડપી લીધો છે. ઝડાયેલા આરોપીએ પોલીસથી બચવા માટે પોતાનો આખો હુલિયો બદલાવા ૫૦ કિલોગ્રામ જેટલું વજન વધાર્યું હતું. વધારેલા વજન સાથે થોડો અલગ દેખઆતો આરોપી છેલ્લા અઢી વર્ષથી સુરતના વેસુમાં જ રહેતો હતો તેમ છતા કોઈ તેને ઓળખી શક્યું નહોતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલી પોલીસ મથકના એએસાઈ ચેતન વાનખેડે, કોન્સ્ટેબલ સંતોષ પાટીલ અને મયૂરધ્વજસિંહને મળેલી બાતમીના આધારે ડિંડોલી ખાતેથી ગૌતમ ભાસ્કર વાનખેડે(રહે. ૩૬૫, કર્મયોગી સોસાયટી, ગોપાલનગરની બાજુમાં, પાંડેસરા, સુરત, મૂળ. મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો. કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના સાગરીત ગૌતમે ગત ૧૨ નવેમ્બર ૨૦૧૮ ની મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ અને તેના અન્ય સાગરીતો સાથે મળીને હરીફ ગેંગ ઉધના રોડ નં. ૯ ના ઉમેશ ગેંગના સાગરીત મોનુ પર જીવલેણ હુમોલ કર્યો હતો.

પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે રાહુલ એપાર્ટમેન્ટ અને ગેંગ દ્વારા કરવામાં આવેલા હુમલા સંદર્ભે ડિંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

ગુનો નોંધાયા પછી ગૌતમ પાંડેસરા વિસ્તાર છોડીને વેસુમાં સુડા આવાસ યોજનામાં રહેવા આવી ગયો હતો. અહીં તેણે પોતાની ઓળખ છતી ન થાય માટે વજન વધારવાનું શરું કર્યું હતું. સુકલડી જેવો દેખાતા ગૌતમે ૫૦ કિલો વજન વધારીને પોતાનું કુલ વજન ૧૧૫ કિલો જેટલું કરી નાખ્યું હતું. તે કાર માટે ડ્રાઈવર તરીકે વર્દી મારતો હતો. જેના કારણે ગૌતમને મોટાભાગે સુરત બહાર રહેવાનું થતું હતું. આ પણ એક કારણ છે કે બહાર રહેતો હોવાથી જલ્દીથી પોલીસની નજરે પડ્યો નહોતો.

(7:44 pm IST)