Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

તમામ મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવી ફરજિયાત : સુરતમાં હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર

તમામ હોટલો રિસેપ્શન પર ઈન્ટરનેટ કનેક્ટિવિટી વાળુ કોમ્પ્યુટર રાખે, જેમાં પથિક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવું પડશે

સુરત: શહેર પોલીસ કમિશનરે લોકોની સુરક્ષા માટે હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કોરોના મહામારી દરમિયાન સુરત પોલીસ કમિશનર અજય તોમરે પ્રવાસીઓને રહેવાની સુવિધા આપનારી તમામ હોટલો, ગેસ્ટ હાઉસો તેમજ લૉજમાં તેમના ત્યાં રોકાયેલા તમામ મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવી ફરજિયાત છે

આ અંગે વિગતો આપતા કમિશનરે જણાવ્યું કે, તમામ હોટલો રિસેપ્શન પર ઈન્ટરનેટ કનેક્ટિવિટી વાળુ કોમ્પ્યુટર રાખે, જેમાં પથિક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવું પડશે. જે બાદ હોટલના રજિસ્ટરની એન્ટ્રી સાથે આ સોફ્ટવેરમાં પણ તમામ મુસાફરોની વિગતો ભરવાની રહેશે.

આ સિવાય હોટલો અને ગેસ્ટ હાઉસની અદર અને બહારના ભાગને સરળતાથી કવર કરી શકાય, તે રીતે લોન્ગ રેન્જમાં કેમેરા લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેમેરામાં થયેલા રેકોર્ડિંગ ઓછામાં ઓછા 3 મહિના સુધી સેવ રાખવું પડશે અને તમામ કેમેરા 24 કલાક ચાલુ રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે

પથિક સોફ્ટવેરમાં આવનારા તમામ મુસાફરોના નામ, તેમના સરનામા અને ફોન નંબર સહિતની વિગતો ભરવાની રહેશે. આ સિવાય તે નંબર સાચો છે કે ખોટો? તેને પણ વેરિફાઈ કરવાનો રહેશે

જો કોઈ મુસાફર કોઈ વાહનથી આવે છે, તો તેના નંબર સહિતની વિગતો પણ ભરવાની રહેશે. આ સિવાય મુસાફરો હોટલના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરે છે, તો તેના માધ્યમથી તે કંઈ-કંઈ વેબસાઈટનો ઉપયોગ કરે છે અને શું-શું ડાઉનલોડ કરે છે? આ તમામ બાબતોની જાણકારી હોટલના સંચાલકોએ રાખવાની રહેશે. આગામી 1 ઓગસ્ટ સુધીમાં તમામ હોટલ, મોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોએ આ નિયમનો અમલ કરવો પડશે. આ નિયમનો ભંગ કરનાર સજાને પાત્ર બનશે

(8:36 pm IST)