Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ્‍યપાલશ્રી દ્વારા શરૂ કરાયેલા કોરોના સેવા યજ્ઞ અંતર્ગત વલસાડ જિલ્લાને મળી એક હજાર રાશન કીટ

વલસાડ જિલ્લાના ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સને વિતરણનો શુભારંભ કરાયો

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડ: કોરોના સેવા યજ્ઞ અભિયાન અંતર્ગત રાજભવન તરફથી યુવા અનસ્‍ટોપેબલ નામની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાની સહયોગથી કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજ વસ્‍તુઓવાળા રાશન કિટનું વિતરણ કરવાનું એક અભિયાન રાજ્‍યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. જે અંતર્ગત એક લાખ કોરોના વોરિયર્સને રેશન કિટ આપવાનું આયોજન રાજભવન તરફથી વિચારાયું છે. જે પૈકી એક હજાર રાશન કિટ વલસાડ જિલ્લાના ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સ માટે ફાળવવામાં આવી છે.

   આ કીટમાં એક કુટુંબના ચાર વ્‍યક્‍તિઓ માટે એક મહિના સુધી ચાલે તેટલું કઠોળ, તેલ, અનાજ, મસાલા જેવી આવશ્‍યક ચીજવસ્‍તુઓ સાથેનું રાશન પૂરું પાડવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આ રાશન કીટના વિતરણનો શુભારંભ આજે કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલના હસ્‍તે કરાયો હતો. આ વિતરણ બાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે ધારાસભ્‍ય ભરતભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં રાશન કીટનું વિતરણ કરાયું હતું.

 વલસાડ જિલ્લામાં આઠ સ્‍થળેથી રાશન કીટ વિતરણ કરવાનું આયોજન કરાયું છે. વલસાડ કલેક્‍ટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીને ૪૨, જિલ્લા પંચાયત આરોગ્‍ય વિભાગને ૨પ૨, સિવિલ હોસ્‍પિટલ વલસાડને ૨૦૦, વલસાડ નગરપાલિકાને ૨૩૩, ધરમપુર નગરપાલિકા, પ્રાંત કચેરી, માલતદાર તેમજ કપરાડા મામલતદાર કચેરી મળી કુલ ૧૦૨, વાપી નગરપાલિકા અને મામલતદાર કચેરી મળી ૧પ, ઉમરગામ નગરપાલિકા અને મામલતદાર કચેરીને ૭૪, પારડી નગરપાલિકા, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી પારડીને ૮૨ કીટ ફાળવણી કરવામાં આવી છે.

  આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, નાયબ કલેક્‍ટર જ્‍યોતિબા ગોહિલ, પ્રાંત અધિકારી એન .બી. કુકડીયા, સિવિલ હોસ્‍પિટલ સ્‍ટાફ વગેરે હાજર રહયા હતા.

(9:31 pm IST)