Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદના કાલુપુરની એક જ ટ્રસ્ટ સંચાલિત બે શાળાઓની માન્યતા રદ

નૂતન આદર્શ કન્યા વિદ્યાલય અને અનુપમ વિદ્યાવિહાર શાળાની માન્યતા રદ કરાઈ હોય વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મેળવવા સૂચના

 

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી શ્રી વી.આર. શાહ સ્મુતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલતિ બે શાળાઓની માન્યતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રદ કરવામાં આવી છે. જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં લેવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં જો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તો તે અંગેની જવાબદારી તેમની રહેશે તેમ પણ જણાવાયું છે.

 કાલુપુર વિસ્તારમાં આવેલી શ્રી વી.આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નૂતન આદર્શ કન્યા વિદ્યાલયની માન્યતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા.28/07/2020 થી રદ કરેલી છે. જેની સામે શાળા મંડળે શિક્ષણ વિભાગમાં અપીલ કરી હતી. અપીલ શિક્ષણ વિભાગ દ્વારા રદ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 28/07/2020ના હુકમને યથાવત્ રાખેલ છે

હુકમ સામે મનાઇહુક્મ મેળવવા શાળા મંડળે હાઇકોર્ટમાં રીટ કરી હતી. પરંતુ હાઈકોર્ટે મનાઈ હુકમ આપેલ નથી. જેથી આજની તારીખે શાળા સરકારની માન્યતા ધરાવતી શાળા હોવાથી શાળામાં કોઇ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવો નહીં, જો પ્રવેશ મેળવશે તો તેની અંગત જવાબદારી વાલી વિદ્યાર્થીની રહેશે.

તે રીતે કાલુપુર વિસ્તારમાં આવેલી શ્રી વી.આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અનુપમ વિદ્યાવિહારની માન્યતા પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ.ગાંધીનગર દ્રારા માન્યતા રદ્દ કરવામાં આવી છે. હુક્મ સામે પણ શાળા મંડળે શિક્ષણ વિભાગમાં અપીલ દાખલ કરી હતી. તે પણ શિક્ષણ વિભાગે રદ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 28/07/2020ના હુકમને યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે.

હુકમ સામે પણ શાળા મંડળ હાઇકોર્ટમાં ગયું હતું. પરંતુ હાઈકોર્ટે મનાઈ હુકમ આપેલ નથી. જેથી આજની તારીખે શાળા પણ સરકારની માન્યતા ધરાવતી શાળા હોવાથી કોઇ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવવો નહીં, જો પ્રવેશ મેળવશે તો તેની અંગત જવાબદારી વાલી વિદ્યાર્થીની રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

(10:06 pm IST)