Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવેલા બાળકોને લઈ નીતિનભાઈ પટેલની જાહેરાત

કોરોનાકાળમાં નિરાધાર બનેલા તમામ બાળકોને સરકારી સહાય મળશે.ડેથ સર્ટિ.માં મૃત્યુનું કારણ કોરોના હોવુ ફરજીયાત નહીં સગાઓના એફિડેવિટના આધારે સહાય મળી શકશે

અમદાવાદ : કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવેલા બાળકોને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ મોટી જાહેરાત કરી છે કોરોનાકાળમાં નિરાધાર બનેલા તમામ બાળકોને સરકારી સહાય મળશે.વધુમાં સ્પષ્ટતા કરી છે કે ડેથ સર્ટિ.માં મૃત્યુનું કારણ કોરોના હોવુ ફરજીયાત નહીં સગાઓના એફિડેવિટના આધારે સહાય મળી શકશે

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, કોરોના કાળમાં નિરાધાર બનેલા તમામ બાળકને સહાય મળશે. અને આ સહાય માટે મરણનું કારણ દર્શાવવું જરૂરી નથી. મરણ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુનો ઉલ્લેખ જરૂરી નહીં હોય તો પણ સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કોરોનાના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકો માટે નવી યોજનાની જાહેર કરી છે. સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. આ યોજનામાં જે બાળક અનાથ બન્યું છે. અને તેમના માતા અને પિતા બંનેનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને બાળકદીઠ 4 હજાર રૂપિયા આપવામાં આવશે.

18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ રૂ. 4000ની સહાય અપાશે

પુખ્ત વયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. 6000ની સહાય અપાશે

21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6000ની સહાયનો લાભ મળશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.

રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે.

 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.

એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.

આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.

14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.

જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.

આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.

કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ 'મા' કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે.

આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે.

CM રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે.

તેમણે ઉમેર્યું કે આવા બાળકોનું ભવિષ્ય રોળાઇ ન જાય તેવી પૂરી સંવેદનાથી આ 'મુખ્યમંત્રી બાલ સેવા યોજના'નો રાજ્યમાં ત્વરાએ અમલ કરાશે.

કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ ઘોષણા મોદી સરકારના 7 વર્ષ પૂરા થયાની પૂર્વસંધ્યાએ કરવામાં આવી છે. જે બાળકોએ કોરોના મહામારીમાં પોતાના માતાપિતાને ગુમાવ્યા છે તેઓને 18 વર્ષની વયે માસિક ભથ્થું આપવામાં આવશે.

પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા સરકારની સાથે સરકાર ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.

(12:51 am IST)