Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડોદરાના તરસાલી રીંગ રોડ પર બાઇક પર જઇ રહેલા માતા-પુત્રીને ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્‍ત

તંત્રની રખડતા ઢોર પરની ઢીલી કામગીરીથી સર્જાતા અકસ્‍માતથી લોકોમાં રોષ

વડોદરાઃ વડોદરાના તરસાલી રીંગ રોડ પર સ્‍કુટર સવાર ચેતનાબેન પંડયા અને માતા દેવીલાબેન જાનીને અચાનક ભેંસ વચ્‍ચે પડતા માતા-પુત્રી નીચે પટકાતા ઇજાગ્રસ્‍ત હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. કોર્પોરેશનની રખડતા ઢોરની બેજવાબદાર કામગીરી સામે લોકોમાં રોષ ફાટી નીકળ્‍યો છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તા પર અચાનક આવી જતા ઢોરને કારણે ભયંકર અકસ્માત સર્જાય છે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમ છતાં મહાનગર પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આજે શહેરના તરસાલી રીંગરોડ બંસલ મોલ નજીક એક મોપેડ પર પસાર થઈ રહેલા માતા-દીકરીને ઢોરે અડફેટે લેતા ઈજા થઈ છે.

એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડાયા

શહેરના તરસાલી દંતેશ્વર રોડ પર મોલની સામે સવારે સ્કૂટર પર ચેતનાબેન પંડ્યા અને તેમના માતા દેવીલાબેન જાની પસાર થી રહ્યાં હતા. આ દરમિયાન રોડ વચ્ચે અચાનક ભેંસ આવી જતા બંને નીચે પટકાયા હતા. જેથી બંનેને ઈજા થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને ફોન કરી માતા-પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભેંસને કારણે રોડ પર પડી જતા માતા-પુત્રી લોહીલુહાણ થઈ ગયા  હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે પણ રોડ પર ગાયોના ટોળા જોવા મળ્યા હતા. વડોદરા શહેરમાં તંત્રની ઢીલી કામગીરીને કારણે લોકોનો જીવ જોખમમાં છે. તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(5:20 pm IST)