Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટનું સંચાલન-માલિકી હવે અદાણીનીઃ 7 નવેમ્‍બરથી અદાણીના બેનર લાગશે

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને માલિકી અદાણીની થઈ ગઈ છે. આમ હવે આ એરપોર્ટ સરકારી એરપોર્ટ રહ્યું નથી. અદાણી જૂથ સાતમી નવેમ્બરથી તેનું સંચાલન સંભાળવાનું છે. એરપોર્ટના ખાનગીકરણ માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આના પગલે સાતમી નવેમ્બરથી એરપોર્ટ પર અદાણીના બેનર લાગી જશે. આ ટર્મિનલનું ઓપરેશન અને એરપોર્ટના વિકાસનું કામ અદાણી સંભાળશે. અદાણીએ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો પણ પ્રારંભ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે અદાણીએ થોડા દિવસ પહેલા જ લખનઉ એરપોર્ટનું સંચાલન સંભાળ્યુ હતુ. હવે તેને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન મળ્યું છે. આ સિવાય મુંબઈના એરપોર્ટની માલિકી પણ તેની પાસે છે.

આમ અમદાવાદ એરપોર્ટનું સાત વર્ષ પછી ખાનગીકરણ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)એ ભારતીય એરપોર્ટ પર વિશ્વસ્તરની સેવા પૂરી પાડવા માટે તેના ખાનગીકરણનો નિર્ણય લીધો તેમા અદાણીને આ અધિકાર મળ્યો છે. અદાણી જૂથને 50 વર્ષ માટે આ એરપોર્ટના સંચાલનનો અધિકાર મળ્યો છે.

સરકારે ગયા વર્ષે છ એએઆઇ સંચાલિત એરપોર્ટ પીપીપી મોડમાં ખાનગીકરણ માટે મૂક્યા હતા. તેમા અદાણી અમદાવાદ, તિરુવનન્તપુરમ, લખનઉ, મેંગ્લુરુ અને જયપુર એરપોર્ટ માટે ટોચના બિડર તરીકે ઉભરી આવ્યું હતુ. તેણે 177, 174, 171, 168 અને 115ની ઊંચી પેસેન્જર ફીના આક્રમક બિડિંગ દ્વારા આ એરપોર્ટનું સંચાલન મેળવ્યું હતું.

આ બિડ જીતવાની સાથે અદાણી જૂથ આ એરપોર્ટના સંચાલન માટે પ્રતિ પેસેન્જર 177 રૂપિયા એએઆઇને ચૂકવશે. અદાણી જૂથે લખનઉ, જયપુર, તિરુવનન્તપુરમ, મેંગ્લુરુ અને અમદાવાદ એરપોર્ટનું સંચાલન મળવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કંપની માને છે કે ઉડ્ડયન ઉદ્યોગ ઝડપથી વિકસી રહેલો ઉદ્યોગ છે. અમારું ધ્યેય વૈશ્વિક ધારાધોરણોની સમકક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

એએઆઇના આંકડા મુજબ 2015થી 2017 દરમિયાન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં 41 ટકાથી વધારે વૃદ્ધિ નોંધાઈ હતી. સ્થાનિક પેસેન્જરોમાં તો 48 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાી હતી. આ સમયગાળા દરમિયાન એરક્રાફ્ટ મૂવમેન્ટ 31 ટકા વધી હતી. હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ દૈનિક ધોરણે 200થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું હેન્ડલિંગ કરે છે. 2017માં 34 લાખથી વધુ પ્રવાસીઓ આ એરપોર્ટ પર નોંધાયા હતા.

(5:20 pm IST)