Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ગાંધીનગરમાં સે-8માં એરફોર્સના વિંગ કમાન્ડરના ઘરને નિષ્ણાં બનાવી તસ્કરોએ રોકડ સહીત 18.18 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર: શહેર માં આમ તો શિયાળા દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો વધતાં હોય છે પરંતુ શિયાળાની શરૂઆતમાં જ તસ્કરોએ ગાંધીનગરમાં એન્ટ્રી લઈ લીધી છે. ખાસ કરીને રાત્રીના સમયે બંધ મકાનોને નિશાન બનાવવામાં આવતાં હોય છે. શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો પણ વધ્યાં છે ત્યારે પોલીસે દિવાળીના તહેવારોને અનુલક્ષીને એકશન પ્લાન બનાવવાની તાતી જરૂરીયાત છે. આવી સ્થિતિમાં શહેરમાં સે-૮/બી પ્લોટ નં.૯૧માં રહેતાં એરફોર્સના નિવૃત વીંગ કમાન્ડર મનોજ પ્રકાશચંદ્ર મિત્તલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાનું બહાર આવ્યું છે. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે તેમનો પુત્ર દિલ્હી ખાતે રહે છે અને તેના ઘરે દિકરાનો જન્મ થતાં પત્નિ અને પુત્રી દિલ્હી ખાતે ગયા હતા. ત્યારબાદ ગત તા.ર૧ ઓકટોબરના રોજ મનોજભાઈ પણ તેમનું મકાન બંધ કરીને દિલ્હી રહેવા માટે ગયા હતા. આ સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દીધું હતું. પરિવાર સાથે રહીને ગત રવિવારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે જોવા મળ્યું હતું કે ટેબલ ઉપર મુકેલું પોટ નીચે પડયું હતું અને ઘરમાં તપાસ કરતાં બેડરૂમ અને સ્ટોરરૂમની તિજોરીઓ પણ ખુલ્લી હતી. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનો અંદાજ તેમને આવી ગયો હતો. જેથી આ સંદર્ભે તેમની પુત્રી અને પત્નીને ફોન કરી દાગીનાની વિગતો મેળવી હતી અને ગઈકાલે આ સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ૧૮.૧૮ લાખની ચોરીનો ગુનો નોંધી તેમને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. તસ્કરોએ મુખ્ય દરવાજાની બાજુમાં આવેલી જાળીનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તસ્કરોને પકડવા માટે આસપાસના સીસીટીવી ફુટેજની પણ તપાસ શરૂ કરી છે. 

(6:16 pm IST)