Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

મોડાસા:નેશનલ હાઇવે નજીક આઇશર ટ્રકમાં ભરેલા લાકડાના જથ્થાની આડમાં છુપાવીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

મોડાસા: નેશનલ હાઈવે માર્ગના અણસોલ નજીકથી પસાર થતી આઈશર ટ્રકમાં ભરેલા લાકડાના વેરના ભુસાના કટ્ટાની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડાતો રૂપિયા ૧૨,૩૯,૧૨૦ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો.શામળાજી પોલીસે આ પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદેસર હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી વિદેશી દારૂની કુલ ૭૧૬૪ બોટલોના જથ્થા સહિત રૂ.૨૦.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. છેલ્લા ૩ દિવસથી પરપ્રાંતમાંથી રાજયમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ-બીયર ઘુસાડવાના બનાવો વધી રહયા છે. વાહન ચેકીંગની પોલીસ કામગીરી દ્વારા કેટલોય જથ્થો ઝડપી પડાઈ રહયો છે.અરવલ્લી જિલ્લા વિભાગીય પોલીસ વડા બી.બી.બસીયા અને શામળાજી પોસઈ એ.એમ.દેસાઈ સહિત પોલીસની ટીમ દ્વારા ગત સોમવારની રાત્રે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ આઈશર ટ્રકને અટકાવી ચેકીંગ કરાતાં આ વાહનમાં લાકડા ના વેરના ભુસાના કટ્ટા ભરેલા માલુમ પડયા હતા.

પોલીસને શંકા જતાં વધુ તપાસ કરવા કટ્ટા ટ્રકમાંથી  નીચે ઉતારી લેતાં અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો હતો.પોલીસે આ આઈશર ટ્રકમાં ભરી રાજયમાં ઘુસાડવામાં આવી રહેલ વિદેશી દારૃ કિં.રૂ.૧૨,૩૯,૧૨૦ નો દારૂ બીયરની ૨૪૭ પેટીનો મોટો જથ્થો કબ્જુ કર્યો હતો.આ હેરાફેરીમાં સંડોવાયેલા ચાલક છગનસિંહ કેશરસિંહ ચૌહાણ રહે. મિયાલાખેડા, દેવગઢ (રાજસંમદ) અને સાગરીત પ્રકાશ ગોકુલજી પ્રજાપતિ રહે.કુચોલી, ભુડાવાલા, તા.નાથદ્વારા નાઓને ઝડપી લીધા હતા. અને ગુડગાંવથી આ જથ્થો સુરતના  બારડોલી લઈ જવા ભરી આવનાર રામજી નામના શખ્સ સહિત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી શામળાજી પોલીસે ૭૧૬૪ બોટલોનો જંગી જથ્થો ગોડાઉનમાં સીલ કર્યો હતો.

(6:20 pm IST)