Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહનોની નકલી HSRP નંબર પ્લેટનું કૌભાંડ ઝડપ્યું : બે આરોપીઓની ધરપકડ

લોન પર છોડાવેલા વાહનો પર બીજા જ વાહનના નંબરની નકલી HSRP નબર પ્લેટ લગાવી ફરતા હતા

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે વાહનોની નકલી HSRP (હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) નંબર પ્લેટનું કૌભાંડ ઝડપી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ નડિયાદ આરટીઓ પાસે HSRP નંબર પ્લેટ બનાવતા શખ્સ પાસેથી નંબર પ્લેટ લીધી હતી. આરોપીઓ ફાઇનાન્સ કંપનીમાંથી બીજા વ્યક્તિના નામે લોન પર છોડાવેલા વાહનોની લોન ભરતા ન હતા. લોન પર છોડાવેલા વાહનો પર બીજા જ વાહનના નંબરની નકલી HSRP નબર પ્લેટ લગાવી ફરતા હતા.

ક્રાઇમબ્રાન્ચના પીઆઈ ડી.બી.બારડની ટિમના પીએસઆઈ હિતેન્દ્રસિંહ ખોડુભા, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ વિજયસિંહ, પરાક્રમસિંહ ભગવાનભાઈ, ભવાનીસિંહ પ્રતાપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ભુરુભાએ બાતમી આધારે નારોલ ટર્નિંગ પાસેથી બે આરોપીને શંકાસ્પદ વાહનો સાથે ઝડપ્યા હતા. જેમાં મુનાવરખાન મહમદખાન પઠાણ (ઉં,41) રહે, અલ્ફીયા સોસાયટી,વટવા અને રોહિત શંભુ ચુનારા (ઉં,34) રહે ગામ પાણસોલી,ખેડાનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ મુનાવરખાન પાસેથી મળેલા હોન્ડા એક્ટિવા પર જીજે-7 CM 8341 નંબરની HSRP નંબર પ્લેટ લાગેલી હતી.આ એક્ટિવા પાલડી યુનિવર્સલ હોન્ડામાંથી અબ્બાસ ગફુર શેખના નામે લોન લઈ છોડાવ્યું હતું.આ અંગે પોલીસે તપાસ કરતા એક્ટિવાનો સાચો નંબર જીજે-27 CL 5341 હતો. જોકે આરોપીએ બીજા જ નંબરની પ્લેટ વાહન પર લગાવી હતી.

રોહિત ચુનારા પાસેથી મળી આવેલા સ્પ્લેનડર બાઈક પર જીજે 27 CN 2111 નંબરની HSRP નંબર પ્લેટ લાગેલી હતી. આ બાઈક લોન પર જુના વાડજ ખાતે આવેલા પ્રો વ્હિકલ ઔટોમોટિવ શો રૂમ પરથી રૂખસાનાબાનુ ફિરોઝ શેખના નામે છોડાવ્યું હતું. જેનો ઓરીજીનલ નંબર જીજે 27 CJ 5433 હતો. જોકે બાઈક પર બીજા જ નંબરની HSRP પ્લેટ લાગેલી હતી.

આરોપીઓએ બન્ને વાહનોની લોન ના ભરવી પડે તે હેતુથી તેના પર બીજા જ નબરની નકલી HSRP નંબર પ્લેટ લગાવી દીધી હતી. પોલીસ તપાસમાં રોહિતએ નડિયાદ આરટીઓ પાસે HSRP નંબર પ્લેટ બનાવતા આકીબ પાસેથી આ નંબર પ્લેટ લીધાની કબૂલાત કરી હતી. ક્રાઇમબ્રાન્ચે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મુનાવર અને રોહિતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આકીબની ધરપકડ બાદ આવી કેટલી નકલી HSRP નંબર પ્લેટ કેટલા લોકોને વેચાણ કરવામાં આવી તેની વિગતો ખુલે તેમ છે.

(6:47 pm IST)