Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

નશાના કારોબારનો પર્દાફાશ : દાણીલીમડામાંથી નકલી કફ સિરપના જથ્થા સાથે આરોપી ઝડપાયો

મકાનમાં રસોડામાં જથ્થો છુપાવ્યો હતો : છૂટક રીતે લોકોને તથા મેડીકલ સ્ટોરમાં આપતો : રાજસ્થાનથી જથ્થો લાવ્યો હોવાની કેફિયત

 

અમદાવાદ : નશીલી કફ સીરપના જથ્થા સાથે એક આરોપીની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. નશીલી કફ સીરપનો જથ્થો આરોપીએ પોતાના મકાનમાં રસોડામાં છુપાવ્યો હતો અને તે જથ્થો છૂટક રીતે લોકોને તથા મેડીકલ સ્ટોરમાં આપવાનો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

નશાનો વેપાર કરતા આરોપીનું નામ છે વલી મહોમદ પરમાર. આરોપી તેના પરિવાર સાથે દાણીલીમડામાં રહે છે. પોલીસને બાતમી મળી કે શખસ પોતાના ઘરમાં નશાનો સામાન રાખે છે. જેથી પોલીસે તાત્કાલિક તેના ઘરે રેડ કરી. ઘરમાં તપાસ કરી તો રસોડામાં અનેક પુઠાના બોક્સ મળી આવ્યા. બોક્સમાં જોયું તો કોડેક કફ સીરપની 960 બોટલો હતી. બાબતે આરોપી પાસે લાયસન્સ માગતા તેની પાસે કોઈ કાયદેસરની પાસ પરમીટ નહોતી. જેથી આરોપી સામે પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી લાખો રૂપિયાની કફ સીરપનો જથ્થો કબ્જે કર્યો. છે

આરોપી જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતાં તેણે ગેરકાયદે રાજસ્થાનથી માલ લાવ્યો હોવાની કબૂલાત કરી. રાજસ્થાનના છગન મારવાડી નામના વ્યક્તિ પાસેથી તે કફ સીરપનો જથ્થો લાવ્યો હતો. પૂર્વના અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરવા અને અમુક મેડિકલ સ્ટોરમાં જથ્થો આપતો હોવાની કબૂલાત કરી. આરોપી પાસેથી પોલીસે કફ સીરપ નો 960 બોટલનો 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે આગમી સમયમાં રાજસ્થાનના છગન મારવાડીની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની પણ શકયતા છે.

(12:12 am IST)