Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

દેડીયાપાડાના નિંગટ પાસે બુટલેગર ની ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતાં એક જ પરિવારના ચાર ના મોત બાદ DSP એ વિઝીટ કરી

 ભૂટબેડા ગામ ના પતિ પત્નિ પોતાના બે બાળકો સાથે પોતાની સાસરી માં જતા પરિવાર ને નશામાં ચુર કાર ચાલકે અડફેટે લીધા: અકસ્માત બાદ સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો તેમજ કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું:વિધાનસભા ની ચુંટણીમાં કાર દ્વારા દારૂનો જથ્થો પહોંચાડવામાં આવતો હોવાનો આરોપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના નિગટ ગામ પાસે રામેશ્વર હોટલ પાસે ના હાઇવે રોડ પર ગુરુવારના સાંજના સમયે ભૂતબેડા ગામના સુનિલ જેઠા વસાવા તથા તેમની પત્ની કોકિલા સુનિલ વસાવા તેમનો પુત્ર રીયાન સુનિલ વસાવા ઉંમર આશરે ૦૪ વર્ષ તેમજ પુત્રી ઋતવી ઉંમર વર્ષ આશરે ૦૧ વર્ષ સુનિલ વસાવાની  મોટર સાયકલ લઈને પોતાની સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા. ત્યારે નિગટ ગામ પાસે સ્વીફ્ટ કાર નંબર જી. જે.ઓ. એચ. ૫૮૬૭ ના ચાલાકે પોતે નશાની હાલતમાં પોતાની કબ્જાની સ્વીફ્ટ કાર પૂરઝડપે હંકારી લાવી સુનિલ વસાવાની મોટર સાયકલ સાથે અકસ્માત કરી 150 મીટર જેટલું ઘસડી ગભીર અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રીયાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે સુનિલ વસાવાને રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે એક્સીડન્ટ માં બચી ગયેલી પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્તને વડોદરા દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં તેનુ પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. એક જ ઘરના ચાર સભ્યોના મોત થતા  ભૂતબેડા ગામ માં ભારે ગમગીની છવાઈ ગઈ હતી આખું ગામ શોકમય બન્યું હતું.

ઘટનાને પગલે ડેડીયાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા. ગ્રામજનોએ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા કે સ્વીફ્ટ કારનો કાર ચાલક નશામાં ધૂત હતો તેમજ કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો પણ મળી આવી હતી. કાર ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો તેમ છતાં પ્રથમ તો પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો ન હતો. પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી હતી. ઘટનાને પગલે નર્મદા જિલ્લા એસ પી. પ્રશાંત સુંબે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ઘટના સ્થળ પર આવી જરૂરી સૂચનો આપ્યા હતા. ડેડીયાપાડા વિસ્તારમાં આવી બીજી ઘટના બની છે જેમાં બુટલેગરો એ સામાન્ય નાગરીકને ટક્કર મારતાં માસુમોએ જીવ ગુમાવવો પડ્યો છે.

 આ કાર વિધાનસભા ની ચુંટણીમાં દારૂ નો જથ્થો પૂરો પાડતી હોવાની વાત વેહતી થઈ હતી આ કાર માંથી મળી આવેલ વિદેશી દારૂ ના જથ્થા એ સાબિત પણ કરી હતી ત્યારે આ દારુ વિધાનસભા ની ચુંટણીમાં ક્યાં ઉમેદવાર માટે મંગાવવામાં આવ્યો હતો એ પણ તપાસ નો વિષય બન્યો છે. શું નર્મદા પોલીસ આ મામલે તપાસ હાથ ધરી મૃતકો ના પરિજનો ને ન્યાય અપાવશે ખરી કે ભીનું સંકેલી કમાઉ દીકરો એવા બુટલેગર ને બચાવવા પ્રયાસ થશે..?

વિધાનસભા ની ચુંટણીમાં કાર મારફત આખો દિવસ બુટલેગરે દારૂ સપ્લાય કર્યો - આગેવાન હરિસિંહ વસાવા

એક જ પરિવારના ચાર સભ્યોના મોત થવા ખુબજ દુઃખદ ઘટના છે. કાર ચાલક બુટલેગરે આખો દિવસ ચૂંટણીમાં ડેડીયાપાડા વિધાનસભામાં દારૂ વહેંચવાની સર્વિસ આપી છે. નામચીન બુટલેગર હોવા છતાં પોલીસે એને છાવરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આગેવાનો તેમજ ગામલોકોની રજુઆતને પગલે કારચાલક સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરવાની ખાતરી હાલ પોલીસે આપી હોવાનુ એડવોકેટ અને આદિવાસી આગેવાન હરિસિંહ વસાવા એ જણાવ્યુ હતું. આવા કેટલા બૂટલેગરો સક્રિય છે તેની તટસ્થ તપાસ કરી ફકત દેશી દારૂના કેશો કરતી નર્મદા પોલીસ મોટા માથાઓ પરની રહેમ નજર દૂર કરે 

૧ગંભીર અકસ્માત દુઃખદ જેની સંડોવણી હસે પગલાં ભરાશે - જીલ્લા પોલીસ વડા પ્રશાંત સૂમ્બે

જે  ઘટના બની છે તે અંત્યત દુઃખદ છે. અકસ્માત કરનાર આરોપીઓ કોઈપણ હશે તેમને છોડવામાં નહીં આવે, સ્વીફ્ટ ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવેલ છે તેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરવામાં આવશે. હોટલની સામે ઘટના બની છે તો હોટલના સીસીટીવી ફૂટેજ હાલ ચેક કરવામાં આવશે. તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી જેલ ભેગા કરવામાં આવશે તેમ પત્રકારો સાથેની વાતચીતમાં નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યુ હતું.

(11:02 am IST)