Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગાંધીનગર આસપાસ રોડ ટેક્સ ભર્યા વગર ફરતા 6 ટ્રેલરો પોલીસે બાતમીના આધારે જપ્ત કરી ટેક્સ વસુલ્યો

ગાંધીનગર:શહેરની આસપાસથી પસાર થતા મુખ્યમાર્ગો તથા જિલ્લાના હાઇવે પર ઓવરલોડેડ વાહનો ખાસ જોવા મળતા હોય છે આ ઉપરાંત ઘણા ટ્રાન્સપોર્ટના વાહનોનો રોડ ટેક્સ બાકી હોવાનું પણ આરટીઓના ધ્યાને આવ્યું હતું જેને પગલે ગાંધીનગર આરટીઓના અધિકારીઓએ તાજેતરમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં છ ટ્રેલરો રોડ ટેક્સ ભર્યા વગર રોડ ઉપર ઘણા વખતથી દોડતા હોવાનું ધ્યાને આવતા આ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને રૃપિયા ૨.૧૦ લાખનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો.

ટ્રાન્સપોર્ટના વાહનો દ્વારા રોડ ટેક્સ આરટીઓને નિયમીત જમા કરાવવાનો હોય છે ટેક્સ ચુકવ્યા વગર વાહન ચલાવવું એ ગુનો છે તેમ છતા ગાંધીનગરમાં જ ઘણા ટ્રાન્સપોર્ટર પોતાના વાહનોનો ટેક્સ ભરતા નથી અને બેધડક વાહનો રોડ ઉપર દોડાવતા હોય છે એટલુ જ નહીંવાહનોમાં નિયમ કરતા વધુ પ્રમાણમાં માલ પણ ભરતા હોવાનું આરટીઓના ધ્યાને આવ્યું હતું જેને પગલે તાજેતરમાં ગાંધીનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના એ.આર.ટી.ઓ. એમ.આર.ગજ્જર તેમના વાહન ઇન્સ્પેક્ટર એસ.જે.રતનધાયરા અને એન.આર.પટેલ સાથે આકસ્મિક ચેકીંગમાં જિલ્લાના રોડ ઉપર નીકળ્યા હતાં. જે દરમિયાન છ જેટલા ટ્રેલર વાહનો કે જેમને ટેક્સની ભરપાઇ કરી ન હતી અને ઓવરલોડેડ હતાં તે જપ્ત કરવામાં આવ્યા હતાં. એટલું જ નહીં આ ડીટેઇન કરેલાં ટ્રેલરના માલિકો પાસેથી ૨.૧૦ લાખ રૃપિયાનો રોડ ટેક્સ પણ વસુલવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ટેક્સ ચોરી કરતાં વાહનમાલિકો સામે લાલ આંખ કરવામાં આવશે અને જે વાહનોનો ટેક્સ બાકી હશે અને રોડ ઉપર દોડતાં હશે તેમને જપ્ત કરી લેવામાં આવશે. આ સાથે જિલ્લાના મોટા ટ્રાન્સપોર્ટહબ ખોડીયાર ડેપોમાં રોડ ટેક્સ ભરેલા ન હોય તેવા વાહનોને પ્રવેશ ન આપવા માટે પણ ગાંધીનગર એ.આર.ટી.ઓ.એ સુચના આપી છે.

(5:15 pm IST)