Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગચ્છાધિપતિશ્રી પૂ. નિત્યસેનસુરીજી તથા પૂ. જયરત્નસુરિજીની પાવન નિશ્રામાં આત્મોદ્વારા-૪નું આયોજન

સુરતમાં રપ મીએ ર૦ મુમુક્ષુઓ સંયમ ગ્રહણ કરશેઃ આખો પરિવાર, બે બહેનો, બોર્ડ ટોપર, કવિ દિક્ષા લેશે

સુરત તા. પઃ ઇ.સ. ૧૯૯રમાં શ્રી જયન્તસેન સુરિજીએ સુરત શહેરમાં સામુહિક દીક્ષા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તે પછી સુરતમાં અનેક ઐતિહાસિક સામુહિક દીક્ષાઓ થઇ. આ દીક્ષાનગરીનાં ત્રણ મુમુક્ષુ સહિત ર૦ મુમુક્ષુઓ તા. રપમી માર્ચે પુણ્ય સમ્રાટ શ્રીમદ વિજય જયંતસેનસુરિજીની જન્મ ભૂમિ એવા થરાદ તાલુકાના પેપરાળ તીર્થમાં આત્મોદ્વારા-૪ દીક્ષા ઉત્સવમાં દીક્ષા ગ્રહણ કરીને આત્મોદ્વાર કરશે.

વર્તમાન જૈન ઇતિહાસમાં ઉત્તર ગુજરાતનો સર્વાધિક સામુહિક દીક્ષા મહોત્સવ ચાર વર્ષ પહેલાં થરાદ ખાતે યોજાયો હતો. શ્રી જયન્તસેન સુરિજી ગુરૂદેવે આ મહોત્સવને આત્મોદ્વારા નામ આપ્યું હતું. ત્યારબાદ પાલીતાણા અને અમદાવાદમાં પણ બીજો અને ત્રીજો આત્મોદ્વાર દીક્ષા ઉત્સવ થયો. હવે એજ અનુસંધાને પેપરાળમાં ગચ્છાધિપતિ શ્રી નિત્યસેનસુરીજી અને શ્રી જયરત્નસુરિજીની નિશ્રામાં આત્મોદ્વાર-૪ યોજાઇ રહ્યો છે. જેમાં આઠ શ્રાવકો અને ૧ર શ્રાવિકાઓ દીક્ષા ગ્રહણ કરશે. દિક્ષાર્થીઓમાં થરાદ તાલુકાના નારોલી ગામના એક જ પરિવારના ત્રણ મુમુક્ષુઓ છે, બે પિતરાઇ બહેનો, એક બોર્ડ ટોપર વિદ્યાર્થીની અને અમદાવાદનાં એક કવિ પણ દીક્ષા લેશે દિક્ષાર્થીઓમાં થરાદના ૬, અમદાવાદના ૬, સુરતના ૩, ડીસનાં ર અને મુંબઇ અને મધ્ય પ્રદેશનાં ૧-૧ દિક્ષાર્થીનો સમાવેશ થાય છે. આ વર્ષની સમગ્ર જૈન શાસનમાં એક સાથે સર્વાધિક દીક્ષાઓ ત્રિસ્તુતિક સમુદાયમાં થઇ રહી છે. સુરતમાં તા. ૧૧મી એપ્રિલે તમામ દીક્ષાર્થીઓનું બહુમાન થશે. બધા કાર્યક્રમો કોરોના ગાઇડ લાઇન પ્રમાણે થશે એવું સંઘના અમૃતલાલ શાહે જણાવ્યું હતું.

(2:57 pm IST)