Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી SGVP ગુરુકુલ દ્વારા કચ્છના ગામડાંઓમાં આયુર્વેદ કીટોનું વિનામૂલ્યે વિતરણ

અમદાવાદ : હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ સંસ્થા દ્વારા સંસ્થાના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP ગુરુકુલ હેલિસ્ટિક હૉસ્પિટલ – અમદાવાદ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા રોગ પ્રતિકારક શક્તિ તથા ઇમ્યુનિટી વધારનારી આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે.

આ આયુર્વેદ કીટ કોવીડના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. કીટમાં આપેલ ઔષધિઓના યથાયોગ્ય ઉપયોગ દ્વારા શરીરમાં ઇમ્યુનિટીનું પ્રમાણ વધે છે અને દર્દીઓ ખૂબ સારો ફાયદો થાય છે.

સ્વામીશ્રીના હસ્તે આ આયુર્વેદ કીટના વિતરણનો આરંભ કરાયો હતો. ખાસ કરીને ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકો સુધી આ કીટ પહોચે એ માટે કોવીડની ગાઈડ લાઈનમાં રહીને સ્વયંસેવકો વિનામૂલ્યે આ કીટનું વિતરણ કરી રહ્યા છે.

કચ્છ-ભારાસરના કાનજીભાઈ હિરાણી તથા અન્ય સ્વયંસેવકો દ્વારા કચ્છના મિરજાપર, સુખપર, માનકૂવા, ભારાસર, દોલતપર, રવાપર, દયાપર, ગોડપર વગેરે ગામોમાં જરૂરિયાતમંદ લોકોને એક હજાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સંસ્થા દ્વારા આજદિન સુધી ૭૦૦૦ ઉપરાંત કીટનું ગુજરાતના ૧૪૦ જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટ આશરે ૮૫૦ રૂપિયાની તૈયાર થઈ છે.

આ રીતે SGVP સંસ્થા દ્વારા આજ સુધીમાં આશરે સાઈઠ લાખ રૂપિયાની કીટોનું વિનામૂલ્યે વિતરણ થયું છે.

 

(1:26 pm IST)