Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

બનેવીએ ચપ્પુનાં ઘા મારીને સાળાની હત્યા કરી દીધી હતી

તાપી કિનારે મળેલ યુવકની લાશનો ઉકેલાયો ભેદ : ગત રોજ નદીના પાળા પાસે મંદિરના ઓટલા પાસેથી યુવાનની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી

સુરત,તા.૫ : સુરત શહેરનાં નાનીવેડ નદીના પાળા પાસે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેની હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. મોડી રાત્રે દારૂની મેહફીલ માણી રહેલા સાળા બનેવી વચ્ચે ઘરકંકાસ બાબતે થયેલો ઝગડો હત્યા સુધી પહોચ્યો હતો. જેમાં બનેવી અને તેના સાગરીતોએ ભેગા મળીને સાળાને ચપ્પના ૧૫ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની જાણ સિંગણપોર પોલીસને થતા પોલીસે ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. ગત રોજ સુરતના નાની વેડ વણઝારા વાસ નજીક નદીના પાળા પાસે મંદિરના ઓટલા પાસેથી યુવાનની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘણા સ્થળે દોડી આવ્યો હતો.

        અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. અમરોલી પૂલની નીચે રેહતો કલ્પેશ ઉર્ફે કલ્પો મહીડ કોઈ કામધંધો કરતો નથી. દરમિયાન તેના બનેવી કાલુ સાથે બેહન ઘરમાં ઝગડો કરતી હોવાને મુદે તકરાર ચાલતી હતી. જોકે કાલુએ ગઈકાલે સાળા કલ્પેશનુ કાળસ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તેના સાગરીતો રવિ, દીપક અને બીજો એક એ દારૂની મેહફીલ ગોઠવી હતી. બધા ભેગા મળીને નાની વેડ નદીના પાળા પાસે મંદિર નજીક ગઈકાલે મોડી રાત્રે દારુ પીવા બેઠા હતા અને ત્યાં પણ આજ મુદે ફરી સાળા - બનેવી વચ્ચે ઝગડો થયો હતો અને કાલુ અને તેના સાગરીતોએ ભેગા મળીને કલ્પેશ ઉર્ફે કલ્પોને ચપ્પુંના ૧૫ જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારીને નાસી ગયા હતા. પોલીસે કાળુ, તેના મિત્રો રવિ,દિપક અને અન્ય એકની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કાળુની પત્ની એવી કલ્પેશની બહેન અવારનવાર રીસાઈને પિયર જતી હોય તે બાબતે કલ્પેશ સાથે ગતરાત્રે મહેફીલમાં કાળુનો ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા કાળુએ મિત્રો સાથે મળી કલ્પેશને તિક્ષ્ણ હથિયારના ૧૫ થી વધુ ઘા માર્યા બાદ દારૂની બોટલના કાચથી પણ હુમલો કર્યો હતો. સિંગણપોર પોલીસે કાળુ અને તેના મિત્રોની પુછપરછ કરી રહી છે.

(9:35 pm IST)