Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મૌજી ગામ પાસે બાબાના દર્શન કરવાના બહાને સુરતના એક વ્યક્તિને બેભાન કરી રૂ.૧.૩૫ લાખની સોનાની ચેઇનની ચોરી

સુરત વરાછા વિસ્તારના કુબેર નગરમાં રહેતા વ્યક્તિ રાજપીપળા ખાતે રહેતા તેમના પુત્રને મળવા આવતા આ ઘટના બની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મૌજી ગામ પાસે સુરતના એક વ્યક્તિને બેભાન કરી સોનાની ચેઇન કાઢી લઈ નાસી ગયેલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ થઈ છે.
 પ્રાપ્ત વિગતો અનુસાર મોહનભાઇ લાલજીભાઇ નકુમ (રહે.૧૦૩ કુબેરનગર સોસાયટી,બોમ્બે માર્કેટ પાસે,વરાછા સુરત) ની ફરિયાદ મુજબ તેઓ શુક્રવારે એક્ટીવા ગાડી નંબર GJ-05-NQ-4491 ઉપર સુરતથી પોતાના દિકરા નિલેશભાઈ મોહનભાઈ નકુમને ત્યા રાજપીપલા આવતા હતા તે વખતે મૌજી ગામના પાટીયા પાસે આવતા એક અજાણ્યા ફોર વ્હીલ ગાડીના ચાલાકે તેમને ઈસારો કરતા પોતાની મો.સા. ઉભી રાખી પૂછ્યું કે આજુ બાજુ કોઈ મહાદેવનુ મંદિર છે..? ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ જણાવેલ કે અંદર બેઠેલા બાબાના દર્શન નથી કરવા તેમ જણાવતા મોહનભાઈ ગાડીમાં પગે પડતા માથા ઉપર હાથ ફેરવતા તેઓ બેભાન થઈ જતા તેમના ગાળામાં પહેરેલ ત્રણ તોલાની સોનાની રુદ્રાક્ષની મણકાની માળા કિં.રૂ. ૧,૩૫,૦૦૦ ની ચોરી કરી ફોર વ્હીલ માં આવેલા વ્યક્તિઓ ચાલ્યા જતા આ બાબતે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:10 pm IST)