Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દેડિયાપાડાના વૃદ્ધ ના મૂત્રાશય માંથી નારિયળ સાઈઝની પથરી કાઢી છુટકારો અપાવી તબીબે નવજીવન આપ્યું

દેડીયાપાડાના મોજરા ગામના આદિવાસી મોતીસીંગ વસાવના મૂત્રાશયમાં 15 થી વધુ વર્ષથી આકાર લઈ પથરી અડધો કિલો જેવા વજન ની થતા અને જીવન જોખમાયું હતું : 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ પોહળાઈ અને ઊંચાઈની પથરી કાઢવામાં 2 દિવસનો પણ વિલંબ થાત તો દર્દીનું મૃત્યુ થઈ જાત: વિશ્વની સૌથી મોટી 1900 ગ્રામની પથરી બ્રાઝીલ, 1365 ગ્રામની ધરમપુર, 834 ગ્રામની કાશ્મીરમાંથી દર્દીના શરીરમાંથી નીકળી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડાના એક આદિવાસી વૃદ્ધનો વિશ્વની ચોથી સૌથી મોટી નારિયેળ સાઈઝની 640 ગ્રામ એટલે કે અડધા કિલોથી વધુ વજનની પથરીમાંથી ભરૂચના એક તબીબે અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યુ છે.
આદિવાસી વૃદ્ધના મૂત્રાશયમાં છેલ્લા 15 થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બનેલી ચુકેલી પથરી જોઈ તબીબ પણ અચંબા માં મુકાઈ ગયા હતા. ઝીલ સર્જીકલના ડો. જયંતીભાઈ વસાવા એ  ખેત મજૂરી કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસીંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેઓને છેલ્લા 4 મહિના ઉપરાંતથી 640 ગ્રામની નારિયેળ સાઈઝની પથરીને લઈ તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા.
એક્સ રે માં ગાંઠ જેવું દેખાયું હતું, જોકે સોનોગ્રાફી કરનાર તબીબને મૂત્રાશય નહીં દેખાતા તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ રે કરતા પથરીનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં મૂત્રાશયમાં રહેલી 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પોહલાઈની પથરી નહિ પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પુરી સંભવના હતી.
  આટલી મોટી પથરીના કારણે 2 કિડની પણ ફેઈલ થઈ ગઈ છે. કિડની ફિલ્ટ્રેશન જે 90 % થવું જોઈએ તે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા 40 ના સ્થાને વધીને 194 ઓપરેશન પેહલા હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયા હતા. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

(10:16 pm IST)