Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન થકી અંદાજે ૨૬ લાખથી વધુ સગર્ભા માતાઓ-બાળકો અને ૫૦ હજાર શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ ૧૨ જેટલા રોગોથી સુરક્ષિત કરાશે : ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન રાજ્યની શાળાઓમાં ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોનું રસીકરણ કરાશે : વિવિધ રોગો સામે રક્ષણ આપતી રસી સંપૂર્ણ સલામત : રાજ્યમાં ૧૦૦૦ જેટલી RBSK ટીમો દ્વારા સઘન રસીકરણ હાથ ધરાશે : ઋષિકેશભાઈ પટેલ

Td 10 અને Td 16 રસીકરણ અભિયાન કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ગુરૂફૂળ, સેકટર-૨૩, ગાંધીનગર ખાતેથી કરાવતાં આરોગ્ય મંત્રી

રાજકોટ તા.૫ : રાજ્યવ્યાપી Td-10 વર્ષ અને Td-16 વર્ષ રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે ૨૬ લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે ૫૦ હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ ૧૨ જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે તેમ આજે આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.   

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે Td-10 અને Td-16  રસીકરણ અભિયાન કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ગુરૂફૂળ, સેકટર-૨૩, ગાંધીનગર ખાતેથી કરાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને શાળાના વિદ્યાર્થીને ૧૨ જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા ૧૨ ઘાતક રોગો જેવાં કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો જેવાં કે, ન્યુમોનિયા અને મગજનો તાવ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી જીવનરક્ષક રસીઓ દ્વારા રક્ષિત કરવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે અંદાજીત ૧૩.૫૦ લાખ સગર્ભા માતાઓ અને ૧૩ લાખ એક વર્ષથી નાની વયના બાળકોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું Td-ધનૂર અને ડિપ્થેરિયાનું રસીકરણ થઇ શક્યું નહતું. આ રસીકરણની ઝૂંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૨માં રાજ્યની શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવનાર છે. આ કામગીરી ઈન્જેકટેબલ રસીકરણ માટેનું એક વિશાળ આભિયાન સાબિત થશે, આ અભિયાનમાં ૧,૦૦૦ RBSK ટીમ દ્વારા અંદાજે ૫૦,૦૦૦ શાળાઓના અંદાજીત ૨૩ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત, આ અભિયાનમાં રહી ગયેલા બાળકોને બીજા તબક્કા દરમિયાન મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

કેન્દ્ર સરકાર દ્વારા ટી.ડી. રસીકરણ માટેની માર્ગદર્શિકા ૨૦૧૯માં રજૂ કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે ૧૦ અને ૧૬ વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનૂર અને ડીપ્થેરીયાની સામે રક્ષણ માટે TTની રસીની જગ્યાએ Tdની રસી આપવા માટે ભલામણ કરવામાં આવી છે. આ વેક્સીન હાલમાં ૧૩૦થી વધુ દેશોમાં સલામત રીતે આપવામાં આવી રહી છે તેમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું. 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે. ટી.ડી. રસી હાલમાં સરકારી તમામ શાળાઓ પર આપવામાં આવશે. આ ટી.ડી.ની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ. કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય. 

આરોગ્ય મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વેક્સિનેટેડ વિદ્યાર્થીઓને ‘‘Td વેક્સિનેશન કાર્ડ’’ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય વિભાગની Td10 અને Td16 રસીકરણની માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

રસીકરણ અભિયાનના શુભારંભ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગુરુકુળના પૂજ્ય સ્વામીશ્રી, આચાર્યશ્રી, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

જનક દેસાઈ/ભરત ગાંગાણી ..

(4:05 pm IST)