Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ફાર્માટેક-લેબટેક એક્ષ્પો-૨૦૨૨ ભારતના ‘‘ફાર્મા હબ’’ ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવશે : હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર-ગાંધીનગર ખાતે

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે ત્રિદિવસીય ૧૩માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-૨૦૨૨નો શુભારંભ

તા. ૫ થી ૭ ઓગસ્ટ ૨૦૨૨ સુધી યોજાનાર એક્ષ્પોમાં ૩૦૦થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો- મશીનરી રજૂ કરશે:  એક્ષ્પોમાં વિવિધ આફ્રિકન દેશના ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક-સેમિનાર યોજાશે: ૧૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત એક્ષ્પોની અંદાજે ૧૦,૦૦૦થી વધુ ફાર્મા ક્ષેત્રના સાહસિકો-વિદ્યાર્થીઓ મુલાકાત લેશે

રાજકોટ તા.૫ :ગાંધીનગર ખાતે આયોજિત ફાર્માટેક અને લેબટેક એક્ષ્પો સમગ્ર દેશમાં ફાર્મા હબ તરીકે ઓળખાતા ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રે નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવશે તેમ આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વેસ્ટન ઇન્ડિયાના સૌથી મોટા ૧૩માં ફાર્માટેક અને લેબટેક એક્ષ્પો-૨૦૨૨નો હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે આજે શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રીશ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ફાર્મા ક્ષેત્રે આત્મનિર્ભરની સાથે સાથે નિકાસકાર દેશ બન્યો છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભારતે કોરોનાની સ્વદેશી વેક્સિન વિકસાવીને ભારતના નાગરિકોને સુરક્ષિત કરવાની સાથે વિશ્વના દેશોને તેની નિકાસ કરીને સૌના કલ્યાણની ભાવના ચરિતાર્થ કરી છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીશ્રીઓએ ગુજરાતને ફાર્મા સહિત અનેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ અપાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, ભરૂચ ખાતે ફાર્મા ક્ષેત્રે વિશાળ પાર્ક સ્થપાવવા જઈ રહ્યો છે. આ પાર્કના પરિણામે ફાર્મા ક્ષેત્રે નવીન શોધ-ઉત્પાદનને વધુ વેગ મળશે. અત્યારે નકલ કરવાનો નહીં પણ શ્રેષ્ઠ સંશોધન થકી નવીન શોધ કરવાનો સમય છે ત્યારે રાજ્યના યુવાનોને પોતાના અને રાજ્યના વિકાસમાં આ પાર્ક નવીન તકો ઉપલબ્ધ કરાવશે. મંત્રીશ્રીએ રાજ્યના યુવાનોને ફાર્મા ક્ષેત્રે મહત્તમ સંશોધન કરીને રાજ્ય-દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપવા અનુરોધ પણ કર્યો હતો.

આરોગ્ય મંત્રીશ્રીએ પ્રદર્શનની વિગતો આપતાં કહ્યું હતું કે, આ પ્રદર્શનનું આયોજન 15,000 ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન સહિતના 300થી વધુ પ્રદર્શકો ફાર્મા મશીનરી, લેબ અને એનાલિટીકલ સાધનો, પેકેજિંગ ઇક્વિપમેન્ટ, ક્લીન રૂમ, ફોર્મ્યુલેશન, ન્યુટ્રાસ્યુટીકલ, કોસ્મેટિક્સ, API, કેમિકલ, આયુર્વેદિક, સંઘટકો અને સુગંધિત દ્રવ્યો સહિતનાં ઉત્પાદનો પ્રદર્શિત કરશે. આ એક્ષ્પોમાં અંદાજે 10,000 થી વધુ મુલાકાતીઓ એક્ષ્પોની મુલાકાત કરશે તેવી અપેક્ષા છે.

વધુમાં પ્રદર્શન, ટેકનિકલ સેમિનાર અને બાયર્સ-સેલર્સ બેઠકના આયોજનો સાથેનો આ 

ત્રિ-દિવસીય કાર્યક્રમ ખાસ કરીને વેસ્ટર્ન રીજીયનમાં ફાર્મા મશીનરી અને ફાર્મા પ્રોડક્ટ સેક્ટરમાં વર્તમાન મુદ્દાઓ અને તકોને સમજવા માટે અગ્રણી ઉદ્યોગકર્તાઓ માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત પ્રદર્શનમાં પરીક્ષણ(ટેસ્ટિંગ) માર્કેટિંગ,બિઝનેસ વધારવા, ટેક્નોલોજી ક્ષેત્રે અનુકૂલન સાધવા અને ખાસ કરીને ફાર્મ મશીનરી અને ઉત્પાદનોને અપગ્રેડ કરવા માટે ઉદ્યોગમાં નવીનતમ ઉત્પાદનો, મશીનરી, સાધનો અને તેમાં વિકાસનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી ઉત્પાદકો, ફાર્મા ઉદ્યોગ અને એકેડેમિયા અને અન્ય સહભાગીઓ તથા મુલાકાતીઓને એકબીજા સાથે આદાન-પ્રદાન કરવાની ઉત્તમ તકો પ્રદાન કરશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રીએ પ્રદર્શન હોલમાં વિવિધ સ્ટોલની મુલાકાત કરીને માહિતી મેળવી હતી.

આ ત્રિ દિવસીય એક્ષ્પોમાં નાઇજેરિયા, ઘાના, અંગોલા, મોઝામ્બિક, સેનેગલ અને નામિબિયા સહિતના વિવિધ આફ્રિકન દેશના ઉદ્યોગ સાહસિકો-ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક તેમજ વિવિધ વૈશ્વિક વિષય પર સેમીનાર યોજાશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, વિવિધ એસોસિએશન સહિત ફાર્મા ક્ષેત્રના મહાનુભાવો, વિદ્યાર્થીઓ-સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા

(5:44 pm IST)