Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીશ્રીઓને તિરંગાનું વિતરણ કરતાં વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય

દેશના દરેક નાગરિક સરળતાથી રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ફ્લેગ કોડમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા: ડૉ. નીમાબેન આચાર્ય

ગાંધીનગર: ભારતની આઝાદીના ૭૫માંવર્ષની ઉજવણી સંદર્ભે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવા કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીશ્રીઓ પોતાના ઘરે માન-સન્માન સાથે તિરંગો લહેરાવી શકે તે હેતુસર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિધાનસભા અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે, દેશના દરેક નાગરિક સરળતાથી રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ફ્લેગ કોડમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ધ્વજ ફરકાવવાની છૂટ હતી જયારે હવે રાત્રે પણ ધ્વજ ફરકાવી શકાશે. નવા નિયમો અનુસાર, હવે ધ્વજ ફરકાવવા માટે કોઈ સમયનું બંધન નથી. આ ઉપરાંત અત્યાર સુધી પોલિએસ્ટર કાપડથી બનેલા ધ્વજ પર પ્રતિબંધ હતો. નવા નિયમો હેઠળ હવે મશીનથી બનેલા કોટન, પોલિએસ્ટર, વૂલન અને સિલ્કના રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકાશે. તેમજ હવે હાથથી બનેલા અને મશીનથી બનેલા ધ્વજ ફરકાવી શકાશે.
આ કાર્યક્રમમાં વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી આદર સહ તિરંગાનો સ્વિકાર કર્યો હતો.

(5:51 pm IST)