Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

બાળકોનો અભ્યાસ કઈ ભાષામાં ? : NCERTએ શાળા અભ્યાસક્રમના નવા ફ્રેમવર્ક પર સામાન્ય લોકોને પ્રશ્નો પૂછ્યા

લોકો શાળાઓમાં ભણાવતા શિક્ષકો પાસેથી શું અપેક્ષા રાખે છે ? તેમનું ગૌરવ કેવી રીતે વધારી શકાય વગેરે પ્રશ્નો અંગે લોકો પાસે માંગ્યા સૂચનો

ગાંધીનગર તા.05 : નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ને લઈ એક માળખું તૈયાર કરવું પડશે. જેને લઈ શાળા શિક્ષણ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. જેને લઈ હવે NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) હવે સામાન્ય લોકો પાસે ગયું છે અને NCERTએ આ અંગે દસ પ્રશ્નો પૂછ્યા છે.

NCERTનાં દસ પ્રશ્નોમાં સામાન્ય લોકોએ એ પણ જણાવવું પડશે કે, તેઓ બાળકોને શાળાઓમાં માતૃભાષામાં ભણાવવા માગે છે કે અંગ્રેજી, સંસ્કૃત વગેરેમાં. આ સાથે તેઓ શાળાઓમાં ભણાવતા શિક્ષકો પાસેથી શું અપેક્ષા રાખે છે. તેમનું ગૌરવ કેવી રીતે વધારી શકાય વગેરે.

NCERTએ ઈન્ટરનેટ મીડિયા અને ઓનલાઈન માધ્યમ દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) અંગે સામાન્ય લોકોમાં અભિપ્રાયનું આ અભિયાન શરૂ કર્યું છે. જેમાં વોટ્સએપ, ફેસબુક, ઈમેલ, ઈન્સ્ટાગ્રામ, સિગ્નલ, એસએમએસ અને સરકારી સાઈટ દ્વારા સામાન્ય લોકોને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ સાથે NCERTએ સામાન્ય લોકોને પૂછેલા વધુ મહત્વના પ્રશ્નો, શાળાઓમાં કયા વર્ગના સ્તરે તેઓ કયા વિષયો ભણાવવા માંગે છે, ત્રીજાથી પાંચમા ધોરણના સ્તરે કયા વિષયોને વિકલ્પ આપવામાં આવ્યો છે, ભાષાઓ, પર્યાવરણીય અભ્યાસ, ગણિત, સામાજિક વિજ્ઞાન, કળા, હસ્તકલા, રમતગમત, યોગ અને આરોગ્ય વગેરે સામેલ છે.

બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપણું શિક્ષણ ભવિષ્યની જરૂરિયાતો અને કૌશલ્યલક્ષી બનાવવા માટે શું કરવાની જરૂર છે? ઓફર કરેલા વિકલ્પોમાં શાળાઓમાં વ્યાવસાયિક શિક્ષણ વધારવું, વિદ્યાર્થીઓમાં સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસાવવી, બહુ-કુશળ વિદ્યાર્થીઓને એક્સપોઝર પ્રદાન કરવું, શાળા સમુદાય અને ઉદ્યોગો સાથે સંલગ્ન થવું વગેરેનો સમાવેશ થાય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે દેશભરમાંથી અભિપ્રાય લેવાયા હતા. આ દરમિયાન બે લાખથી વધુ સૂચનો મળ્યા હતા.

(8:51 pm IST)