Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કઠલાલ:વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પાડવા માટે મામલતદારે 45 હજાર માંગ્યા:ACBએ ઝડપી લીધો

કાકા-દાદાએ રાખેલી જમીનની પાકી નોંધ પાડવા માટે ફરિયાદી પાસેથી નાયબ મામલતદારે . 45 હજારનો વહેવાર માંગ્યો:20 હજાર લઇ લીધા અને વધુ 25 હજાર આપવાના બાકી હતા: એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધો

કઠલાલ : કાકા-દાદાએ રાખેલી જમીનની પાકી નોંધ પાડવા માટે ફરિયાદી નાયબ મામલતદારને મળ્યા હતા. નાયબ મામલતદારે પાકી નોંધ પાડવા માટે રૂ. 45 હજારનો વહેવાર માંગ્યો હતો. જે પૈકી 20 હજાર લઇ લીધા હતા અને વધુ 25 હજાર આપવાના બાકી હતા. તેવામાં ફરિયાદીએ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા છટકું ગોઠવાયું હતું. જેમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હતા.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરનાર ફરિયાદીના કાકા તથા દાદાએ પીઠાઇ (તા. કઠલાલ જી. ખેડા) ખાતે ખેતીની જમીન વેચાણ રાખેલ હતી. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ-રજીસ્ટ્રારની કચેરી ખાતે નોંધાયો હતો. આ અંગેની કાચી નોંધ તા. ૨૦.૦૬.૨૦૨૨ ના રોજ પડવામાં આવી હતી. કાચી નોંધ સંદર્ભે તા. ૦૪.૦૮.૨૦૨૨ ના રોજ ૪૫ દિવસ પુર્ણ થવાનું નજીક હોવા છતાં નાયબ મામલતદાર દ્વારા કાચી નોંધને પ્રમાણિત કરી પાકી નોંધ મંજુર કરી ન હતી.

 

જેથી ફરીયાદીએ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા ( હોદ્દો : સર્કલ ઓફીસર અને નાયબ મામલતદાર, મામલતદાર કચેરી કઠલાલ, તા. કઠલાલ, જી. ખેડા)ની ઓફિસે રૂબરૂ મુલાકાત લીધી હતી. દરમિયાન લાંચિયાએ જણાવ્યું કે આજે છેલ્લો દિવસ છે. હું આજે તમારી નોંધ નામંજુર કરીશ તો તમારે પ્રાંત કચેરી ખાતે જવું પડશે. જેથી ફરીયાદીએ લાંચિયાનો રકજક સાથે વિનંતી કરતા વહેવાર પેટે રૂ. 45 હજાર માંગ્યા હતા. અને જો પૈસા આપશો તો જ વેચાણ રાખેલી ખેતીની જમીનના દસ્તાવેજ અંગેની કાચી નોંધને પાકી નોંધ કરી પ્રમાણિત કરી આપીશ તેમ જણાવ્યું હતું.

45 દિવસ પુરા થતા હોવાથી લાંચિયાએ માંગેલા રૂ. 45 હજાર ફરીયાદી જો ના આપે તો આરોપી પાકી નોંધ થશે નહી, જો નોંધ નામંજુર થાય તો ફરીયાદીને પ્રાંત કચેરી જવુ પડે તેમ હોવાથી ફરીયાદી નાછુટકે લાંચ આપવા સંમત થયો હતો. લાંચના કુલ પૈસા પૈકી રૂ. 20 હજાર ગતરોજ અને બાકીના રૂ. 25 હજાર આજે ચુકવવાના હતા. દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોતાની કચેરીમાં રૂ. 25 હજાર લેતા મામલતદાર રંગે હાથ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા હતા.

(9:04 pm IST)