Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટનાર નિર્દય મા ઝડપાઈ : પોલીસે કઠણ કાળજાના મા-બાપની ધરપકડ કરી

પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરવાની હાલતમાં ન હોવાથી ભર્યું પગલું

સાબરકાંઠા : ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીનાં માતા-પિતા મળી આવ્યાં છે. માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ગાંભોઈની UGCVCL કચેરી પાસેના ખેતરમાં જીવતી જ દાટેલી હાલતમાં એક બાળકી મળી આવી હતી. બાળકીને બહાર નિકાળી સારવાર માટે મોકલી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેના માતા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાળકીના માતા પિતાની અટકાયત કરી લીધી છે. બાળકીને જીવીત જ દફનાવી દઈ તેનાથી દૂર થઈ જવાનુ પાપ કરનારા માતા પિતા હવે પોલીસના હાથમાં આવી ચુક્યા છે. આ માટે સાબરકાંઠા એસપી દ્વારા ગાંભોઈ પોલીસને માતા-પિતા અને ઘટનામાં સામેલ તમામ મદદકરનારાઓને શોધી નિકળવા માટે સુચનાઓ અપાઈ હતી. ત્યાર બાદ પોલીસે અરવલ્લી જિલ્લા ભીલોડા તાલુકામાં તપાસ કરી હતી. આ દરમિયાન મહેસાણાના નંદાસણ ગામેથી તેના માતાપિતા સુધી પહોંચીને તેમની ધરપકડ કરી લીધી છે.

આરોપી માતા-પિતા મંજૂ અને શૈલેષ પોતાની બાળકીને ગુરુવારે સવારે છ વાગ્યાના આસપાસમાં ખેતરમાં દાટી દીધી હતી. બંને જણાં છેલ્લા પંદર દિવસથી સાસરીમાં ગાંભોઈ રહેતા હતા. ગાંભોઈના ચામુંડાનગર વિસ્તારમાં રહી રહ્યા હતા, પરંતુ તેઓએ નંદાસણ ગામે ગયા હોઈ ત્યાંથી રાત્રી દરમિયાન પોલીસે ઝડપી લીધા હતા. બંને જણા ગાંધીનગર જિલ્લાના માણસાના છે. અને તેઓએ અહીં આવીને બાળકીને દફનાવી દીધી હતી.

 

હ્રદયને લાગણીઓથી હચમચાવી દે એવી ઘટનાના આરોપીઓ પોલીસે ઝડપી લીધા છે. આ આરોપ માત્ર કાયદા પૂરતા જ નહીં પણ માનવતા અત્યંત મોટા ગૂનાના પણ ગણી શકાય. લોકો સંતાન માટે દુનિયાની મુશ્કેલમાં મુશ્કેલ પડકારને પાર કરી લેવાની બાધા-આખડીઓ રાખતા હોય છે. પરંતુ ગાંભોઈ નજીક પારકા ખેતરમાં જીવતી બાળકીને જ જમીનમાં જ દાટી દીધી. બે કલાક થી વધુ સમય બાળકી જમીનમાં દટાયેલી રહી, માત્ર તેનો પગ બહાર રહી જતા તેને નવુ જીવન જાણે પ્રાપ્ત થયુ. જેની પર કુદરતના આશિર્વાદ હોય એના જીવને શુ જોખમ હોય એમ જ નવજાત બાળકી જમીનમા દટાઈને પણ જીવતી જ રહી. બાળકીને યુજીવીએસએલના કર્મચારી ઉપેન્દ્રસિંહ ચૌહાણે બહાર નિકાળીને તુરત સારવાર માટે મોકલી આપી હતી.

બાળકી હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલી છે. તેને કૃત્રિમ શ્વાસોસ્વાસની મદદથી સારવાર અપાઈ રહી છે. તેનુ વજન ઓછુ હોઈ આ માટે વિશેષ દરકાર સિવિલની ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે.

(10:53 pm IST)