Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જરની વચ્ચે મારામારી

પેસેન્જરને બેસાડી તેની કહ્યા પ્રમાણેની જગ્યા પર પહોંચી ગયા બાદ તેને ઉતારી ભાડું માંગતા આ પેસેન્જર ઉશ્કેરાયો : સુરતનો વિડિયો વાયરલ થતા ચકચાર

સુરત, તા. : સુરતના પાંડેસરા વિસ્તારમાં એક રીક્ષા ચાલકે એક પેસેન્જરને બેસાડી તેની કહ્યા પ્રમાણેની જગ્યા પર પહોંચી ગયા બાદ તેને ઉતારી ભાડું માંગતા પેસેન્જર ઉશ્કેરાઈ ગયો અને રીક્ષા ચાલકને માર મારવા લાગ્યો હતો. જોકે, સ્થાનિક લોકો વચ્ચે પડે તો તેને પણ માર મારતો હતો અને રસ્તા વચ્ચે તમાસો કરી ટ્રાફિક જામ કરતા પોલીસે માથા ફરેલ પેસેન્જરને પોલીસ મથકે લઇ જેણે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુસ પોઇન્ટ ખાતે એક રીક્ષા ચાલાક અને પેસેન્જર વચ્ચે ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા હતા, બંને લોકો છૂટાહાથની મારામારી કરતા જોવા મળ્યા હતા. કારણ કે રીક્ષા ચાલકે મુસાફરને એક જગ્યા પરથી બેસાડી તેના કહેવા મજુબની જગ્યા પર ઉતાર્યો હતો, અને મુસાફરે ઉતર્યા બાદ રીક્ષા ચાલકે રૂપિયા માંગતા મુસાફર ઉશ્કેરાય ગયો હતો અને જોત જોતામાં રીક્ષા ચાલાકને માર મારવા લાગ્યો હતો. ઘટના બાદ રીક્ષા ચાલાક પણ મુસાફરને મારવા લાગતા રસ્તા પર પસાર થઈ રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જોકે બંને વચ્ચેની મારામારીમાં લોકો વચ્ચે પડીને મામલો શાંત પાડવાની કોશિશ કરતા મુસાફર લોકોને પણ માર મારવા લાગતો હતો, જેને લઈને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. મેઈન રસ્તા વચ્ચે મારામારીને ટ્રાફિક જામ થતા ટીઆરબી જવાન ત્યાં પહોંચી ગયો હતો, જોકે રીક્ષા ચાલાક અને મુસાફર તેની સામે પણ મારામારી બંધ નહીં કરતા જવાને પાંડેસરા પોલીસને જાણકારી આપી હતી. ઘટના સ્થળ પર પાંડેસર પોલીસે પહોંચી બંનેને પોલીસ મથકે લઇ ગયા હતા અને મુસાફર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:46 pm IST)