Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

શ્રમજીવી મહિલાઓ સાથે લોનના નામે છેતરપિંડી

ભેજાબાજ મહિલાની ધરપકડ કરાઈ : મહિલાની વાતમાં ૧૩ જેટલી મહિલાઓએ લોન મેળવવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા : પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત, તા. ૪ : સુરતમાં કાપોદ્રામાં આવેલી ઉજ્જવલ સ્મોલ ફાઈનાન્સમાંથી લોન અપાવવાના બહાને શ્રમજીવી મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ લઇને તેના પર ખુદ લોન લઇને છેતરપિંડી કરતી સંગીત પાટીલ નામની મહિલાએ વિરૂદ્ધ .૫.૫૦ લાખની લોન ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી વંદના નામની મહિલા લોકોના ઘરે મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જાન્યુ. ૨૦૧૯માં વેડરોડ વિસ્તારમાં જ રહેતી સંગીતા અનિલ પાટીલ આવી હતી અને વંદના તેમજ તેમના વિસ્તારની બહેનોને મકાન માટે લોન આપવાની વાત કરી હતી.

સંગીતાએ આ બહેનોને કાપોદ્રામાં આવેલી ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લોન અપાવવાની લાલચ આપી હતી. સંગીતાની વાતમાં આવી વંદના અને અન્ય ૧૨ જેટલી મહિલાઓએ લોન મેળવવા માટે સંગીતાને ડોક્યુમેન્ટ આપ્યા હતા. જોકે થોડા સમાય બાદ તેમની લોન ના મંજુર થઈ હોવાનું કહીને સંગીત જતી રહી હતી.

એક મહિના બાદ બેંકમાંથી હપ્તાની ઉઘરાણી થતા શ્રમજીવી મહિલાને પોતાના નામ પર રૂ.૧૫ હજારથી રૂ.૫૦ હજારની લોન લઇને સંગીતાએ વાપરી નાખી હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે તેમના કાગળો પર સંગીતાએ લોન લઈને તેમની સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવતા વંદના મહાજને ચોકબજાર પોલીસમાં સંગીતા પાટીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

પોલીસે ફરિયાદના આધારે સંગીતા પાટીલની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ મહિલાએ અન્ય કેટલા લોકોના કાગળો લઇને તેમના નામે લોન લીધી છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

(9:44 pm IST)