Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોગ્રેંસ કૃષિ કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરે છે : કેન્દ્રીય મંત્રી માંડવિયાના પ્રહારો

કૃષિ બિલથી ખેડૂતો આર્થિક ક્ષેત્રમાં આત્મનિર્ભર થશે.

સુરતઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વર્તમાન કૃષિ કાયદા સામે વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યુ હોવાનું કહેતા તેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમનો દાવો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા છ વર્ષમાં ખેડૂતોને તેમની ઉપજની લાભદાયક કિંમત મળે, ખેડૂતોની આવક અને જીવનધોરણ સુધરે તે દિશામાં ખેડૂતોના હિતમાં વિવિધ સીમાચિન્હરૂપ નિર્ણય કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાના તેમજ કૃષિક્ષેત્રના વિકાસ માટે ‘કૃષિ સુધાર બિલ 2020’ અંતર્ગત ‘ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) બિલ 2020’ અને ‘ખેડૂતોને (સશક્તિકરણ અને રક્ષણ)કિંમતની ખાતરી અને કૃષિ સેવા બિલ 2020’ ને દેશની સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે અને હવે આ કૃષિ સુધાર બિલે કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. આમ મોદી સરકાર ખેડૂતો માટે જે કામ કરી રહી છે તેની સામે વિપક્ષ દુષ્પ્રચાર કરી રહ્યુ છે.

કૃષિ સુધાર મોદી સરકારનું ક્રાંતિકારી પગલું

માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરાયેલા ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે, ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ સંદર્ભે સ્વતંત્રતા મળશે. કૃષિ સુધારા કાયદો 2020 એ કેન્દ્ર સરકારનું ક્રાંતિકારી પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં ખાતરી આપી છે કે, નવા કાયદાઓમાં ખેડૂતોના તમામ હિતો જાળવવામાં આવ્યા છે, આ કાયદો ખેડૂતોના લાભ માટે છે, વર્તમાન વ્યવસ્થામાં ખેડૂતોની પેદાશની થઈ રહેલી લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી, એપીએમસીની વ્યવસ્થા ચાલુ જ રહેશે. પરંતુ રાજકીય બદઇરાદાથી કેટલાક લોકો દ્વારા આ બંને કૃષિ કાયદાઓ અંગે ભ્રામક અપપ્રચાર કરીને ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ખેડૂત તેના ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકશે

માંડવીયાએ ‘ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) કાયદો 2020’ના સંદર્ભમાં જણાવ્યું હતું કે, આ કાયદાના અમલથી ખેડૂતો અને વેપારીઓને કૃષિ ઉત્પાદનનું વેચાણ અને ખરીદી કરવા અંગે સ્વતંત્રતા મળશે, રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર અવરોધમુક્ત વેપારને પ્રોત્સાહન મળશે, ખેડૂતો તેમનું કૃષિ ઉત્પાદન રાજ્ય કૃષિ ઉત્પાદન વેચાણ કાયદા અંતર્ગત એ.પી.એમ.સી. તેમજ અન્ય અધિસૂચિત બજારો સહિત દેશમાં કોઈપણ જગ્યાએ પોતાના ઉત્પાદનનું વેચાણ કરી શકશે, ખેડૂતોને પોતાની પેદાશનું વેચાણ કરવા બદલ કોઈ સેસ કે વેરો ભરવો નહીં પડે સાથે સાથે પરિવહન ખર્ચનું વહન પણ નહીં કરવું પડે. આ કાયદાથી ખેડૂતો તેમની ખેતપેદાશોનું દેશના કોઇપણ સ્થળે, કોઈપણ વેપારીને સીધું વેચાણ કરી શકશે, જેનાથી તેમને પોતાની પેદાશનું સારું મૂલ્ય મળશે અને વચેટિયાઓ દૂર થશે.

એમએસપીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહીં થાયઃ માંડવિયા

માંડવીયાએ જણાવ્યું હતું કે,’ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) કાયદો 2020′ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જશે, એપીએમસીની કામગીરી બંધ થઈ જશે જેવી ઇરાદાપૂર્વકની ગેરસમજો ઉભી કરવામાં આવી રહી છે પરંતુ સત્ય એ છે કે, લઘુત્તમ ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી ચાલુ જ રહેશે, કેન્દ્ર સરકાર દ્વારા રવી પાક માટેના ટેકાના ભાવ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, કૃષિ ઉત્પાદનના વેચાણ માટેની એપીએમસીની વ્યવસ્થા પણ ચાલુ જ રહેશે, ખેડૂતોને એપીએમસી સહિત દેશના કોઈ પણ ખૂણે પોતાનું ઉત્પાદન વેચવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સરકારી ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ ‘ઇ-નામ’ના ઉપયોગથી પારદર્શકતામાં વધારો થશે અને સમયની બચત થશે.

કૃષિને માર્કેટ સાથે લિંક કરે છે એ કાયદો

માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતોને (સશક્તિકરણ અને રક્ષણ)કિંમતની ખાતરી અને કૃષિ સેવા કાયદો 2020’ દેશભરના ખેડૂતોને પ્રોસેસર્સ, હોલસેલર્સ, એગ્રીગેટર્સઝ મોટા રીટેલર્સ, નિકાસકારો વગેરે સાથે પોતાની પેદાશની વેચાણ અંગેની સમજૂતી કરવા સક્ષમ બનાવશે, ખેડૂતો પોતાના પાકની લણણી અગાઉ વેપારી કે કંપની સાથે પેદાશનો ભાવ સુનિશ્ચિત કરી શકશે. અગાઉથી કૃષિ ઉત્પાદનની કિંમત નક્કી થવાને કારણે ખેડૂતોને બજારકિંમતમાં વધારા અને ઘટાડાથી રક્ષણ મળી રહેશે. ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તાના બીજ અને અન્ય ગુણવત્તાયુક્ત કાચોમાલ મેળવવા પણ સક્ષમ બનાવાશે. ખેડૂતના વિવાદના સમાધાન માટે સ્પષ્ટ સમયરેખા સાથે વિવાદનું નિવારણ કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાના ખેડૂતોની મંડળી બનાવી તેમને નવી વ્યવસ્થામાં જોડાશે

માંડવીયાએ જણાવ્યું હતું કે, એવી ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે કે આ નવા કાયદાના અમલથી ખેડૂતોની જમીનો પ્રાયોજકો દ્વારા હડપી લેવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કાયદા હેઠળ ખેડૂતોની જમીનના વેચાણ કે કબજો કરવા અંગે કોઇ પ્રકારની જોગવાઇ કરવામાં આવી નથી. દેશભરમાં 10,000 જેટલી ખેડૂત ઉત્પાદન મંડળીઓ(એફપીઓ)ની રચના થઈ છે, નાના ખેડૂતોને એક મંચ પર લાવીને ખેત પેદાશ માટે વળતરદાયક કિંમત સુનિશ્ચિત કરવા અંગે કાર્ય કરશે જેનાથી દેશના નાના ખેડૂતો પણ આ નવી વ્યવસ્થામાં જોડાઇ શકશે.

ખેડૂતોને પ્રગતિના પથ પર અગ્રેસર મૂકશે નવો સુધારો

માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની દેશની કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પથ પર અગ્રેસર કરવા માટે પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. નવા કૃષિ સુધારાઓથી ચોક્કસપણે દેશનો ખેડૂત પોતાની આવક બમણી કરવાની દિશામાં આગેકૂચ કરશે, આ નવા કાયદાઓના સકારાત્મક પરિણામોનો સમગ્ર દેશ સાક્ષી બનશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપા પ્રદેશ મહામંત્રી ભગતસિંહ પરમાર, ભાજપા સાંસદ  દર્શનાબેન જરદોશ તેમજ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:58 pm IST)