Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મુંબઇના બિલ્ડરે લવમેરેજ કરનાર પુત્રને ઘરેથી કાઢી મુકતાં આ યુવક ચોર બની ગયો : પૈસા કમાવવા ૭ મોબાઇલ ચોર્યા

અમદાવાદ: મુંબઈના બિલ્ડરે લવમેરેજ કરનાર એક ના એક પુત્રને ઘરેથી કાઢી મુક્યો હતો. અમદાવાદમાં પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતાં યુવકને પૈસાની જરૂર હોઈ સાગરીત સાથે મળી મોબાઈલ ફોનની ચિલઝડપ શરૂ કરી હતી. ક્રાઈમબ્રાન્ચે બિલ્ડર પુત્ર અને તેના સાગરીતને ઝડપી 7 મોબાઈલ ફોન અને ચિલઝડપનો ભેદ ઉકેલ્યો છે.

ક્રાઈમબ્રાન્ચ પીઆઈ એમ.એચ.વ્યાસની સૂચના મુજબ ટીમે મૂળ મુંબઈના થાણે ખાતે રહેતા અને હાલમાં જુહાપુરા ફતેહવાડીમાં પત્ની સાથે ભાડાના ઘરમાં રહેતાં મુંબઈના બિલ્ડર મોહંમદઈસરતના પુત્ર મોહંમદનવાઝ શેખ (ઉ,22) અને તેના સાગરીત ફૈઝલખાન રશીદખાન પઠાણ (ઉં,27) રહે, ગૌલી મહોલ્લો, કેમ્પ સદર બજારની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી ચોરીના સાત મોબાઈલ ફોન રૂ.65 હજારના મળી આવ્યા હતા. બન્ને યુવકોની પૂછપરછમાં તેઓએ અમદાવાદ શહેરના શાહીબાગ, માધવપુરા અને શાહપુર વિસ્તારમાંથી છેલ્લા એક માસમાં સાત મોબાઈલ ફોનની ચિલઝડપ કરી હતી. જેમાં શાહીબાગમા થયેલી ચાર મોબાઈલ ફોનની ચિલઝડપની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે શાહીબાગ,માધવપુરા અને શાહપુરમાંથી કરેલી ત્રણ મોબાઈલ ફોનની ચિલઝડપના ગુના દાખલ થયા ન હતા.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ મોહંમદનવાઝના પિતા મોહંમદઈસરત મુંબઈ થાણે ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ઈંગ્લીશ મિડિયમમા ગ્રેજ્યુએશન કરનાર મોહમંદનવાઝ મુંબઈની ખાનગી બેંકમાં ડાયલર તરીકે ફરજ બજાવતો હતો.દરમિયાન ટીમ લીડર સાથે નવાઝને પ્રેમ થઈ જતા બન્નેએ 2019માં લવમેરેજ કર્યા હતા.પુત્રના લવમેરેજથી નારાજ પિતાએ મોહંમદનવાઝને ઘરેથી કાઢી મુક્યો હતો.

મોહમદનવાઝ પત્ની સાથે અમદાવાદ શહેરમાં ફતેહવાડી વિસ્તારમાં લબ્બે પાર્કમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પૈસાની જરૂર પડતા મોહંમદનવાઝ મોબાઈલ ફોનની ચિલઝડપના ગુના આચરવા લાગ્યો હતો.

 

(10:30 pm IST)