Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગુજરાત-સૌરાષ્ટ્રની બે ગૌરવવંતી ઘટનાઓ

મહારાષ્ટ્ર-રાજસ્થાન સહિતના અડધો ડઝન રાજયોની ડીજીપી કોન્ફરન્સનું યજમાન પદ ગુજરાતે સાર્થક કર્યુ

વિશ્વની પ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિ.ને રાષ્ટ્રીય દરજ્જા બાદ દિલ્હીની સુપ્રસિધ્ધ એફએસએલ : ગુજરાતની અંડરમાં મુકાઇઃમૂળ જુનાગઢના વતની એવા ડો. જે.એમ.વ્યાસને પ્રથમ કુલપતિ પદથી નવાજાયા : લોકો સુરક્ષીત રહે અને સલામત રહે તે માટે ઘરબહાર રહી ફરજ કઇ રીતે બજાવવી? અડધો ડઝન રાજયોના ટોચના અધિકારીઓને નરસિંમ્હા કોમાર દ્વારા માર્ગદર્શન અપાયું

રાજકોટ, તા., ૫: તાજેતરમાં દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધે તેવી બે ઘટનાઓ ઘટી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા અને દાદરા નગર હવેલી એમ પાંચ રાજયો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશની રાષ્ટ્રીય કક્ષાની ડીજીપી કોન્ફરન્સનું યજમાન પદ ગુજરાતને મળવાની સાથે સાથે વિશ્વની સૌ પ્રથમ ગાંધીનગર સ્થિત ફોરેન્સીક યુનિ.ને રાષ્ટ્રીય દરજ્જો મળવા સાથે દિલ્હીની સુપ્રસિધ્ધ એફએસએલ પણ ગુજરાતની અંડરમાં મુકવામાં આવી છે.

ગુજરાત ફોરેન્સીક યુનિ.ને રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ વિદેશમાં પણ તેની ફેન્ચાઇસી શો સ્થપાશે. સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત એ છે કે આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે મૂળ સૌરાષ્ટ્રના અર્થાત જુનાગઢના વતની ડો. જે.એમ.વ્યાસને માન મળ્યુ઼ છે.

૬ રાજયોની એક કોન્ફરન્સમાં ગુજરાતના ગૃહમંત્રી  સહીતના રાજયના વિવિધ આઇપીએસ અધિકારીઓ દ્વારા સફળતાપુર્વક તમામ મુદાઓની છણાવટ જે રીતે કરી તેની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવાઇ હોવાનું રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે.

અકિલા સાથેની વાતચીતમાં રાજયના મુખ્ય પોલીસ વડાએ જણાવેલ કે કોવીડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લઇ ઓનલાઇન કોન્ફરસના સમારોહનું ઉદઘાટન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવા સાથે તેઓએ વિસ્તૃત રીતે આંતરીક સલામતી મજબુત બનાવવા માટે આદાન-પ્રદાન દ્વારા ગુન્હાખોરી પર પ્રભુત્વ મેળવવા અપીલ કરી હતી. ગૃહમંત્રી દ્વારા ગુન્હાખોરી પર નિયંત્રણ કરવા માટે રાજય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જે રીતે સુધારા થયા તેની સાથે ગુજરાતની ફોરેન્સીક યુનિ.ને રાષ્ટ્રીયકક્ષાનો દરજજો,  રક્ષાશકિત યુનિવર્સિટીની સ્થાપના જેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇના પ્રયાસોથી શરૃ થયેલ પ્રગતી યાત્રાની તમામ રાજયોએ નોંધ લીધી હતી.

ઉકત પ્રસંગે આઇબીના જોઇન્ટ ડાયરેકટર ઓ. એન.ભાસ્કર  દ્વારા પ્રવર્તમાન સંજોગોમાં ગુપ્તચર તંત્રનું મહત્વ તથા રાજયના ત્રાસવાદ વિરોધી દળના ડીઆઇજી હિમાંશુ શુકલ દ્વારા ત્રાસવાદની અવનવી ટેકનીકો  અને ડ્રગ્સ, હથીયારોની હેરફેર, સ્લીપર સેલ વગેરે ગુજરાતે લીધેલ પગલાઓની માહીતી આપી માર્ગદર્શન આપ્યું હતું. દરીયાઇ સુરક્ષા અંગે ડીઆઇજી નિલેશ જાજળીયાએ  તથા ટેકનોલોજીના અદભુત આવિષ્કારની ગાથા ફોરેન્સીક યુનિ.ના વાઇસ ચાન્સેલર  ડો.જે.એમ.વ્યાસ દ્વારા વર્ણવામાં આવી હતી.

ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ઉકત તમામ બાબતોની પોતાના બહોળા અને અભુતપુર્વ નેટવર્ક તથા ક્રાઇમ કુંડળીઓ મેળવવાની વિવિધ તરકીબોના પાઠ શીખવ્યા હતા. ઉકત પ્રસંગે સીઆઇડી ક્રાઇમના વડા તેજપાલસિંહ બિસ્ત વિગેરે હાજર રહયા હતા.

(12:20 pm IST)