Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અમદાવાદ આવતી ટ્રેનોના મુસાફરો સુપર સ્પ્રેડર બન્યા : 27 દિવસમાં 567 પેસેન્જરો કોરોના પોઝીટીવ મળ્યા

રાજધાની એક્સપ્રેસ, મુઝફ્ફરપુર એક્સપ્રેસ, ગોરખપુર અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા 42 હજારથી વધુ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાઈરસએ હાહાકાર મચાવ્યો છે અનલોકમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થતાં જ લોકો પોતાના કામ-ધંધે પરત ફરવા લાગ્યાં છે. ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરો કોરોનાના સુપર સ્પ્રેડર બની રહ્યાં છે.હાલમાં અમદાવાદમાં જ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ છે.રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચાલુ થવાની સાથે જ અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતા પેસેન્જરો કોરોના પોઝિટિવ આવતા સ્થિતિ વધારે વણસી છે.

આ સ્થિતિને જોતા અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન પર ઉતરતા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.7 સપ્ટેમ્બરથી શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર AMC દ્વારા કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે. હાલ અમદાવાદમાં દરરોજ 3 ટ્રેનો આવે છે, જેમાંથી ઉતરતા તમામ પેસેન્જરોનું ફરજિયાત રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.7 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં છેલ્લા 27 દિવસમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનોમાંથી કુલ 567 પેસેન્જરો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી રાજધાની એક્સપ્રેસ, મુઝફ્ફરપુર એક્સપ્રેસ, ગોરખપુર અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા 42 હજારથી વધુ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 567 મુસાફરો સંક્રમિત મળી આવ્યાં છે.

 

રેલવે સ્ટેશનથી મળી આવેલા પોઝિટિવ દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશનના કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાય છે. જો તેમની તબીયત નાજુક જણાય તો તેમને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ સિવાય હળવા લક્ષણો ધરાવતા મુસાફરોને હોમ ક્વોરન્ટાઈન કરાય છે. જ્યાં તેમના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવે છે.

અત્યાર સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી સૌથી વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યાં છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને સેનેટાઈઝેશન સહિત તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1302 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 9 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અમદાવાદ જિલ્લામાં એક દિવસમાં નવા 191 કેસ સામે આવી ચૂક્યાં છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 37624 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1826 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(12:39 pm IST)